ભારતીય શેર બજારમાં ગુરુવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી પર ચારેબાજુ વેચાવલી જોવા મળી. ગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ 2-2%ના મોટા કડાકા સાથે બંધ થયા. સેન્સેક્સ લગભગ 1800 અંકોના ઘટાડા પર બંધ થયો તો નિફ્ટી 500 પોઈન્ટ તૂટીને બંધ થયો. બેંક નિફ્ટીમાં 1000 અંકનો કડાકો હતો. નિફ્ટી પર તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ બેથી 3 ટકાના કડાકા સાથે બંધ થયા
રોકાણકારો પાયમાલ
બપોરે દોઢ વાગ્યા સુધીમાં તો રોકાણકારોના 10 લાખ કરોડ કરતા વધુ રૂપિયા ડૂબી ચૂક્યા હતા. આટલા મોટા કડાકા પાછળ અનેક કારણો જવાબદાર રહ્યા. 4 પોઈન્ટમાં સમજો.
1. ઈઝરાયેલ-ઈરાન તણાવ
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. ઈઝાયેલનું હમાસ અને લેબનોનની સાથે સાથે હવે ઈરાન જોડેનો સંઘર્ષ દુનિયાભરના બજારોને સતાવી રહ્યો છે. ઈરાને એક ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર ઓછામાં ઓછી 180 બેલિસ્ટિક મિસાઈલો છોડી જેનાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. ઈરાનના હુમલાને ઈઝરાયેલે પોતાના આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ અને ત્યાં નજીક રહેલી અમેરિકી નેવી વિધ્વંસક જહાજોની મદદથી ઘણા હદ સુધી રોક્યા હતા. આ હુમલો 27 સપ્ટેમ્બરે તહેરાન સમર્થિત લેબનોની કટ્ટરપંથી ગ્રુપ હિજબુલ્લાહના લાંબા સમયથી નેતા રહેલા હસન નસરલ્લાહના ઈઝરાયેલી હુમલામાં થયેલા મોત બાદ થયો. પશ્ચિમ એશિયામાં હાલાત એક વર્ષ કરતા વધુ સમયથી અસ્થિર છે. આ સંધર્ષ મુખ્ય રીતે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈથી હવે આગળ ફેલાઈ ગયો છે. હવે ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે ગત વર્ષથી સંઘર્ષ ચાલુ છે જે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ કરતા પણ વધુ જોખમી લાગે છે.
2. SEBI નો F&O
સેબી તરફથી F&O Trading પર લગાવવામાં આવેલા નવા નિયમોના કારણે પણ બજારમાં કઈક હદે પેનિક ક્રિએટ થયું. સોમવારે બહાર પાડવામાં આવેલા નિયમોમાં કહેવાયું છે કે હવે દરેક એક્સચેન્જની એક અઠવાડિયામાં એક વિકલી એક્સપાયરી હશે. વીકલી એક્સપાયરી ઘટાડવાનો નિયમ 20 નવેમ્બરથી લાગૂ થશે. 1 ફેબ્રુઆરીથી ઓપ્શન્સ બાયરથી અપફ્રન્ટ પ્રીમિયમ લાવવામાં આવશે. કેલેન્ડર સ્પ્રેડ બેનિફિટ પણ 1 ફેબ્રુઆરીથી ખતમ થશે. લોન્ચના સમયે ઓછામાં ઓછી કોન્ટ્રાક્ટ સાઈઝ 15 લાખ હશે અને પછી સમીક્ષા સમયે કોન્ટ્રાક્ટ સાઈઝ 15-20 લાખ હશે. હાલમાં મિનિમમ કોન્ટ્રાક્ટ સાઈઝ 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધી છે. જેને છેલ્લે 2015માં નક્કી કરાયું હતું. કોન્ટ્રાક્ટ સાઈઝનો નિયમ પણ 20 નવેમ્બરથી લાગૂ થશે. 1 એપ્રિલથી ઈન્ટ્રાડે પોઝીશન લીમિટની નિગરાણી થશે. તેનાથી એવો ડર ફેલાયો કે રિટેલ રોકાણકારો બજારમાંથી પૈસા કાઢી લેશે. વેચાવલી પાછળ આ પણ એક કારણ છે.
3 ક્રૂડ ઓઈલના ભાવો પર ચિંતા (Brent Crude Oil Price)
ક્રૂડ ઓઈલના ભાવને લઈને પણ બજારમાં ચિંતા જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ દોઢ ટકા ચડીને $74 ની ઉપર ચાલી રહ્યો છે. ઈરાન તેલ બજારમાં એક પ્રમુખ કારોબારી છે. સંઘર્ષ વધે તો તેલનો સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. જેનાથી ભાવ વધી શકે. તેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર પડશે ખાસ કરીને જે ઓઈલની આયાત પર નિર્ભર છે. તેલના ભાવ પહેલેથી જ ચાર ડોલર પ્રતિ બેરલ વધી ચૂક્યા છે. આ સિવાય એક્સપોર્ટ્સનું કહેવું છે કે પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રમાં સંઘર્ષ વધતા પહેલેથી જ ઊંચો લોજિસ્ટિક્સ ખર્ચ વધુ વધવાની સાથે જ ક્રૂડ ઓઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને કૃષિ જેવા ક્ષેત્રમાં વેપારને નુકસાન પહોંચાડી શકે છે.
4. FIIs ની વેચાવલી અને ચીને વધાર્યું ટેન્શન
આ અઠવાડિયે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) તરફથી સતત વેચાવલી જોવા મળી છે. ગત કારોબારી સેશનમાં તેમણે 8,282 કરોડ રૂપિયાની તગડી વેચાવલી કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં FIIs તરફથી વેચાવલી જોવા મળી છે. આ ડર એટલા માટે પણ ઊંડો બની રહ્યો છે કારણ કે ચીનની સરકારે ગત અઠવાડિયે આર્થિક સુધારાઓ અંગે કેટલીક જાહેરાતો કરી છે. જેના કારણે ત્યાંના બજારોને બુસ્ટ મળશે. તેનાથી સસ્તા વેલ્યુએશનવાળા સ્ટોક્સ તરફ આકર્ષિત થઈને FIIs ભારતમાંથી પૈસા કાઢીને ચીનના સ્ટોક્સમાં રોકી શકે છે. તેના કારણે પણ બજારમાં કડાકો જોવા મળ્યો છે.