આજે IPLની મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્મા અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત વચ્ચેનો એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રિષભ પંતે રોહિત શર્માને પાછળથી ગળે લગાવીને ચોંકાવી દીધા છે.
રોહિત શર્માની વાતચીતનો વીડિયો થયો વાયરલ
રોહિત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ઝહીર ખાન સાથે વાત કરી રહ્યો હતો. આ બન્નેની વચ્ચે થઈ રહેલ વાતચીતની એક વીડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં બે ભારતીય ક્રિકેટ સ્ટાર્સ વચ્ચેની મિત્રતાની ખાસ પળ કેદ થઈ છે. આ વીડિયોમાં રોહિત શર્માને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘જે કરવાનું હતું, મેં કર્યુ બરાબર. અત્યારે મારે કંઈ કરવાની જરૂર નથી.’ આ પહેલાં રિષભ પંતે મજાકમાં કહ્યું હતું કે ‘હાંજી!’ કહીને રોહિત શર્માને રોક્યો.
રોહિત અને પંત પર રહેશે નજર
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો જ્યારે સામ-સામે ટકરાશે ત્યારે તમામની નજર રોહિત શર્મા અને રિષભ પંતના પ્રદર્શન પર રહેશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી અને ત્રણ મેચમાં તેના માત્ર બે પોઈન્ટ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ મુંબઈ માટે ચિંતાનો વિષય છે. આ જ વાત લખનૌના કેપ્ટન પંતને પણ લાગુ પડે છે, જે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ બે મુખ્ય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનની અસર પરિણામ પર સ્પષ્ટ દેખાઈ રહી છે
જસપ્રિત બુમરાહની ઈજા ચિંતાનો વિષય
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બન્નેએ અત્યાર સુધી ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતી છે અને આજની મેચમાં જે ટીમ પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે એડજસ્ટ થશે તેની જીતની શક્યતા વધી જશે. એટલું જ નહીં, આ વખતે ક્યુરેટર્સ ઘરની ટીમો માટે યોગ્ય પીચો તૈયાર કરી રહ્યાં નથી, જેના પર કેટલીક ફ્રેન્ચાઇઝીના કોચ અને ખેલાડીઓએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં પાવર પ્લેમાં સારું પ્રદર્શન કરનાર ટીમની જીતની શક્યતા વધી જશે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ઈજા પણ મુંબઈ માટે ચિંતાનો વિષય છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે બુમરાહ ક્યારે પરત ફરશે તે અંગે મૌન જાળવી રાખ્યું છે