ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવા માટે ભાજપને અલ્ટીમેટમ આપી દીધું છે. પરંતું લાગે છે કે, ભાજપ કોઈ પણ ભોગે રૂપાલાનો ભોગ આપવા તૈયાર નથી. રાજકોટથી રૂપાલા જ ચૂંટણી લડશે એ ફાઈનલ છે. રૂપાલાને હટાવવું આ રાજપૂતો માટે વટનો સવાલ બન્યો છે, ત્યારે રૂપાલાને ન હટાવવું એ ભાજપના વટનો મુદ્દો બન્યો છે. રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે, પણ ભાજપનો વટ પડી ભાંગે. ત્યારે ભાજપ પોતાનો વટ પડવા દે તેવું જરા પણ લાગતુ નથી તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, આજે જાહેરાત થઈ છે કે, આવતીકાલે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે. આ પહેલા રૂપાલા રાજકોટમાં જંગી સભાને સંબોધન કરશે. રેલી અને સભા બાદ રૂપાલા 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે.
ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભા સંબોધશે
આવતીકાલે પરસોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલી કાઢવામાં આવશે. રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે. બહુમાળી ચોકથી જૂની કલેકટર સુધી રોડ-શો પ્રકારનું આયોજન કરાયું છે. રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, તમામ ધારાસભ્ય સહિતનાઓ હાજર રહેશે. ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધન કરશે. આ માટે વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે. હજ્જારોની સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે રૂપાલા ફોર્મ ભરવા માટે જશે એ ફાઈનલ છે. જોકે, અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
રૂપાલાની પાંચેય આંગળી ઘીમાં
રૂપાલા સામે ભલે રાજપૂતોને નારાજગી હોય, પરંતું રૂપાલાની હાલ પાંચેય આંગળી ઘીમાં છે. બે દિવસ પહેલા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કુલ મળીને 40 સ્ટાર પ્રચારોની યાદી જાહેર કરી હતી. ક્ષત્રિયોના વિરોધવંટોળ વચ્ચે ફરી ભાજપે પરષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવી દેવાયા છે. ક્ષત્રિયોમાં આ વાતનો રોષ પણ જોવા મળી રહ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકની યાદીમાં રુપાલાને સ્થાન આપી ક્ષત્રિયો ભાજપે આડકતરી રીતે ક્ષત્રિયોને ઈશારો કર્યો છે કે, રાજકોટમાં તો રૂપાલા જ રહેશે. ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલા આખાય ગુજરાતમાં સભા ગજવીને ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. જે રીતે રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવાયા છે. ત્યારે ભાજપે રૂપાલાની તરફેણ કરી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.