લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય બેટર રિષભ પંતના રન આઉટ થવા પર કે.એલ.રાહુલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. ભારતના પહેલી ઈનિંગમાં સદી ફટકારનાર કે.એલ. રાહુલે જણાવ્યું કે, ‘મારા અને પંત વચ્ચે સદી ફટકારવા અંગે ચર્ચા થઈ હતી. હું લંચ પહેલા સદી ફટકારવા માંગતો હતો. મારી લાલચના કારણે રિષભ પંત રન આઉટ થઈ ગયો હતો.’
રિષભ પંત કેમ રન આઉટ થયો
વિકેટકીપર અને બેટર રિષભ પંત રન આઉટ વિશે પ્રેસ કોન્ફરન્સમાં કે.એલ.રાહુલે જણાવ્યું હતું કે, ‘મેં તેમને (પંત) કહ્યું હતું કે જો શક્ય હોય તો, હું લંચ પહેલા મારી સદી પૂર્ણ કરીશ અને લંચ પહેલા બશીરની છેલ્લી ઓવરમાં મને લાગ્યું કે મારી પાસે સદી ફટકારવાની સારી તક છે, પરંતુ કમનસીબે મારો બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. તે એવો બોલ હતો જેના પર હું ચોગ્ગો મારી શકતો હતો.’
ભારતીય બેટર કે.એલ. રાહુલે જણાવ્યું કે, ‘પછી પંત ઇચ્છતો હતો કે હું સ્ટ્રાઈક રોટેટ કરું, પરંતુ તે રન આઉટ થવાથી મેચનો દિશા બદલાઈ ગઈ. તે અમારા બંને માટે નિરાશાજનક હતું. સ્વાભાવિક છે કે, કોઈ પણ આ રીતે પોતાની વિકેટ ગુમાવવા માંગતું નથી.’
રિષભ પંત 74 રન બનાવીને આઉટ થયો હતો
ઉલ્લેખનીય છે કે, સ્પિનર શોએબ બશીર ભારતની પહેલી ઇનિંગની 66મી ઓવર ફેંકી રહ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર બશીરે ઓફ સ્ટમ્પની બાજુથી એક બોલ ફેંક્યો. પંતે કવર પોઈન્ટ તરફ રમીને સિંગલ રન લેવાનો પ્રયાસ કર્યો. સદીની ખૂબ નજીક રહેલા કેએલ રાહુલે નોન-સ્ટ્રાઈક એન્ડથી દોડ્યો. પંત પણ 2 સ્ટેપ દોડ્યા પછી થોડીવાર માટે રોકાઈ ગયો. જોકે, પછી તેમણે રન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પાછળ ફરીને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રોકેટ થ્રો કર્યો. થ્રો પણ લક્ષ્ય પર વાગ્યો અને રિષભ પંત 74 રન બનાવીને આઉટ થયો હતો.