TRP ગેમઝોન અગ્નિકાંડના બનાવના પગલે લોકસભાની ચૂંટણી બાદ ભાજપ કોઈ ઉજવણી નહીં કરે. 4 જૂન 2024ના રોજ દેશભરમાં મત ગણતરી બાદ આવનારા પરિણામ પછી રાજકોટમાં ભાજપ કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ કમલમ ખાતે ભાજપના અગ્રણીઓની પ્રેસ કોફેરન્સ યોજવામાં આવી હતી. જેમાં પરશોતમ રૂપાલા,રામ મોકરીયા, મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી હાજર રહ્યા હતા. જો રાજકોટમાં ભાજપના ઉમેદવાર ૪ તારીખે જીતે તો ઉજવણી પર મનાઈ કરવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પત્રકારોએ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પ્રશ્નો પૂછતાં નેતાઓએ ચાલતી પકડી હતી.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ શહેર એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન-2ના DCP ડો.સુધીર જે. દેસાઈની પણ બદલી કરાઈ હતી. આ ચારેય અધિકારીની હવે પૂછપરછ કરવામાં આવશે.
રાજકોટમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓ એસીબીની રડારમાં આવી ગયા છે. જે લોકો સામે અપ્રમાણસર મિલકત મળશે તેની સામે કાર્યવાહી થશે. રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ આ દરમિયાન સખ્તાઇથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ ફરી આવી ઘટના ના બને તેવી કાર્યવાહી કરવાની વાત કરી હતી. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે.