રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાના દીકરાની મહેનત ફળી, બોર્ડમાં લાવ્યો 99.99 PR

By: nationgujarat
05 May, 2025
રાજકોટ: આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાનો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66% જાહેર થયું છે. આમ ગત વર્ષની સરખામણીએ રાજકોટ શહેર તેમજ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 1.14% જેટલું વધુ આવ્યું છે. ત્યારે રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાના દીકરાએ બોર્ડમાં ટોપ કર્યું છે. ભણવાની સાથે આ દીકરો પોતાના પિતાની ચાની લારી પર પણ મદદ માટે જતો હતો.
રાજકોટ શહેરના મોદી સ્કૂલમાં અભ્યાસ કરનારા તેમજ ચાની લારી ચલાવનારા પિતાના પુત્રએ પોતાની મહેનતથી 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે.પરમાર રાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારે એકાઉન્ટ, અર્થશાસ્ત્ર તેમજ SP & CC જેવા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. મારા પિતા નારણભાઈ છેલ્લા છ સાત વર્ષથી ચાની લારી ચલાવે છે.
આ સાથે તેણે જણાવ્યુ છે કે, હું રોજ સ્કૂલ દ્વારા આપવામાં આવતું ડે ટુ ડે વર્ક કરતો હતો. તેમજ સ્કૂલ દ્વારા યુનિટ ટેસ્ટ, વિકલી ટેસ્ટ તેમજ ડિઝાઇનર ટેસ્ટ લેવામાં આવતી હતી. તે તમામ ટેસ્ટમાં પણ હું સારો દેખાવ કરતો હતો. રોજ બેથી ત્રણ કલાક હું મારા પિતાની ચાની લારી પર પણ તેમની મદદ માટે જતો હતો. તેમજ સ્કૂલ સિવાય ઘરે છથી સાત કલાક જેટલું વાંચન કરતો હતો. આગામી સમયમાં મારે સીએ બનવું છે. તેમજ પોતાના પરિણામ બાબતે શ્રેય મોદી સ્કૂલના ટ્રસ્ટી રશ્મિકાંત મોદી તેમજ પોતાના શિક્ષકો તેમજ માતા પિતાને જતો હોવાનું જણાવ્યું છે.

Related Posts

Load more