રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન

By: nationgujarat
11 Jun, 2024

સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામ ખાતે આજે 11 જુનના રોજ સાંજે 5 વાગ્યે સંત સંમેલન મળવાનું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય, કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે. આ સાથે જ સંતોએ આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની તૈયારીમાં છે. ત્રંબા ખાતે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિની ઉપસ્થિતિમાં મોટુ સંમેલન યોજાશે.

રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન કરાયું છે. ત્રંબામાં આવેલી ખાનગી શાળામાં સંત સંમેલન યોજાનાર છે. જેમાં દ્વારકાના પીઠાધીશ જગતગુરુ શંકાચાર્ય, કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા હાજર રહેશે. સાથે જ ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો ભેગા થશે. આ સંમેલનમાં દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાશે. સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરાશે.

જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે 
મહંત મુક્તાનંદ બાપુએ જણાવ્યુ કે, જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનનૈા દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો. વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા.  અમારી પાસે એ લખાણોની યાદી છે અને એ લખાણો દૂર કરવા અંગે અમે વિનંતિ કરીએ છીએ. કારણ કે ભાઈઓ તેનાથી એક જ ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે, આ ત્રુટીઓ સુધારી લે. કોઈપણ દેવી દેવતાને નીચા ચીતરવા એ વ્યાજબી નથી. મનસ્વી રીતે પોતાની લીટી મોટી કરવા માટે એ બિલકુલ વ્યાજબી નથી.

ઉલ્લેખનીય છે કે, આ સંત સંમેલનમાં સંતો, મહંતો, કથાકારો હાજર રહેશે. જેમા સનાતન ધર્મને લગતા પ્રશ્નો ઉઠાવવામાં આવશે. રામેશ્વર બાપુ હરિયાણીએ કહ્યુ હતું કે, જ્યાં જ્યાં સનાતન ધર્મને હાનિ પહોંચે છે તેના સુધારા માટે વિચારણા કરાશે અને આ અંગે સરકાર સાથે પણ પ્રેમભાવથી સેતુબંધ બની વિચારણા કરી આગળ વધવામાં આવશે.


Related Posts

Load more