રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુલ 33000 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 5000 શાળાઓમાં રમતના મેદાનો નથી. જ્યારે 12700 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 78 સરકારી શાળાઓ, 315 ગ્રાન્ટ ઈન એઈડ દ્વારા ચાલતી શાળાઓ અને 255 જેટલી ખાનગી શાળામાં પણ મેદાનનું નામો નિશાન નથી. વધુમાં 255 શાળાઓમાં મહત્તમ એવી છે જે કોમ્પ્લેક્સમાં ચાલે છે અને તેની નીચે પાનના ગલ્લાઓ અને અન્ય પ્રકારના કોમર્શિયલ સ્થળોમાંથી પસાર થઈને બાળક ભણવા આવે છે અને ઘરે જાય છે. આનો અર્થ એ નથી કે બાકીની 47519 શાળાઓને મેદાનો છે.
મોટા ભાગની શાળાઓમાં નાનકડા ફળીયા જેવા પ્લોટને પણ મેદાન જેવા ખપાવીને તેની મંજૂરીઓ આપવામાં આવી છે. 2018માં ગુજરાત સરકાર દ્વારા નવી શાળાઓને ફરજીયાત મેદાન બનાવવા માટેની ફરજ પાડવામાં આવી હતી. જેમાં 40 ટકા શાળાઓ મેદાન કરશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ તે પછી તે શાળાઓમાં મેદાનો બન્યા કે નહીં તે હજુ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. ગુજરાતના શિક્ષણવિદના જણાવ્યાનુસાર, ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત નિયમો પ્રમાણે દરેક શાળામાં એક મેદાન હોવું જોઈએ. અર્બન એન્ડ રિજનલ ડેવલપમેન્ટ પ્લાન્સ ફોર્મ્યુલેશન એન્ડ ઈમ્પ્લિમેન્ટેશન ગાઈડલાઈન્સ પ્રમાણે શાળા પાસે શાળાના કુલ વિસ્તારના 30 ટકાથી 40 ટકાનો ભાગ રમતના મેદાન માટે હોવો જોઈએ. 500 વિદ્યાર્થીની શાળા હોય તો તેમાં 2000-3000 મીટર જગ્યા હોવી જોઈએ. જ્યાં બાળકને 4-6 મીટરની જગ્યા આઉટ ડોર એક્ટિવિટી માટે મળવી જોઈએ. જ્યાં તે ઓછામાં ઓછું 100 મીટરથી 200 મીટર જેટલું અંતર દોડી શકે. પરંતુ અમદાવાદ અને સુરતના અનેક વિસ્તારોમાં કોમ્પ્લેક્સમાં શાળાઓ ચાલતી હોવાથી તેમાં રમતનું મેદાન તો દૂર પરંતુ શાળા છૂટે ત્યારે ચડવા ઉતરવાની સીડીઓથી લઈને રોડ રસ્તા પરના ટ્રાફિક પર ભારે અસર જોવા મળે છે. અમદાવાદના ઘાટલોડિયા, નારણપુરા, ભૂયંગદેવ, સેટેલાઈટ, અમરાઈવાડી, ઓઢવ, નરોડા, નિકોલ, ગોમતીપુર, બાપુનગર જેવા વિસ્તારોમાં સંખ્યા બંધ કોમ્પ્લેક્સમાં કે રોડપર મેદાન વગર ચાલતી અસંખ્ય શાળાઓ છે. જ્યાં કોઈ રમત ગમતની પ્રવૃત્તિ માટે બાળકોને ભાડાના મેદાનમાં લઈ જવામાં આવે છે. અથવા તો માત્ર કાગળ ઉપર રમાડી દેવામાં આવે છે.