AMTS Free Travel for Women on Raksha Bandhan: ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રક્ષાબંધનને લઈને બહેન સરળતાથી ભાઈના ઘરે પહોંચી શકે તે માટે AMC દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે બહેનો મફતમાં AMTSમાં મુસાફરી કરી શકશે.
મફત મુસાફરી
મળતી માહિતી મુજબ, રક્ષાબંધનના દિવસે શહેરની તમામ AMTSની બસોમાં મહિલાઓ તદ્દન મફતમાં મુસાફરી કરી શકશે. વહેલી સવારથી શરૂ થતી બસથી લઈને મોડી રાતની છેલ્લી બસમાં મહિલાઓ મફત મુસાફર કરી શકશે. આ દિવસે મહિલાઓ પાસેથી ટિકિટ માટેનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
આ વિશે વધુ વાત કરતા AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઇએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે શહેરની તમામ AMTS બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી ઉપલબ્ધ રહેશે. સવારની પહેલી બસથી લઈને રાતની છેલ્લી બસ સુધી કોઈપણ રૂટ પરની બસમાં મહિલાઓ પાસેથી ટિકિટનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. મહિલાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી રક્ષાબંધન પર વિનામૂલ્યે મુસાફરી કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.’