મોરબીમાં સરકારી જમીન ઉપરના દબાણ ભાજપના આગેવાને જાતે જ દૂર કરવાનું શરૂ કર્યું

By: nationgujarat
03 Oct, 2024

મોરબી તા 3
મોરબીના લીલપર રોડે આવેલ વજેપરના સર્વે નંબર વાળી સરકારી જમીન પર ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદ બારૈયા દબાણ કરેલ હતું જેની રજૂઆત કરવામાં આવી જેથી કરીને તંત્ર દ્વારા દબાણ કરનારને નોટિસ આપવામાં આવી હતી અને દબાણને તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી પરિસ્થિતી ઊભી થાય તે પહેલા જ ભાજપના આગેવાને જાતે જ સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા માટેનુ કામ શરૂ કરી દીધેલ છે.

મોરબીના લીલાઓર રોડે વજેપર ગામના સર્વે નં. 1116 પૈકીની સરકારી ખરાબાની જમીન આવેલ છે તે જમીનની આગળના ભાગમાં ક્લાસિક પાર્ટી પ્લોટ આવેલ છે અને પાર્ટી પ્લોટનું સંચાલન કરતાં અરવિંદભાઇ બારૈયા કે જે ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ તેના દ્વારા મંડપ સર્વિસનો માલસામાન રાખવા માટે ડોમ વિગેરે બનાવવામાં આવેલ છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેના દ્વારા દબાણ કરવામાં આવેલ હતું અને આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા હતી.

તેવામાં થોડા દિવસો પહેલા કલેક્ટર કે.બી ઝવેરીએ પણ કહ્યું હતું કે, સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હશે તો જમીનની માપણી ડીએલઆર દ્વારા કરવામાં આવે ત્યાર બાદ સરકારી જમીન ઉપર કોઈપણનું દબાણ હશે .

તો તે કોઇની પણ શહેશરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવશે જો કે તંત્ર દબાણ હટાવવા માટે આવે તે પહેલા જ અરવિંદભાઇ બારૈયાએ જાતે તેના ડોમ સરકારી જમીન ઉપરથી હટાવવા માટેની કામગીરી શરૂ કરી દીધેલ છે અને વધુમાં તેમણે કહ્યું હતું કે તેના કલાસિક પાર્ટી પ્લોટની બાજુમાં બંજર જમીન હતી તેને લેવલ કરીને મંડપ સર્વિસનો સમાન ત્યાં રાખવામા આવેલ હતો અને હાલમાં તેમણે જાતે જ દબાણ હટાવવા માટેનુ કામ શરૂ કર્યું છે અને તે સરકારી જમીનને ખુલ્લી કરી નાખશે.


Related Posts

Load more