જેડીયુના નવા ચૂંટાયેલા સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે સીતામઢીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મુસલમાન અને યાદવોનું કોઈ કામ કરશે નહીં. લોકસભા ચૂંટણીમાં આ સમાજના વોટ ન મળતાં ચંદ્ર ઠાકુર બોખલાયા છે. તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે, 22 વર્ષથી રાજનીતિમાં સક્રિય હોવા દરમિયાન તેમણે સૌથી વધુ કામ યાદવ અને મુસ્લિમોનું કર્યું છે. પરંતુ આ ચૂંટણીમાં આ લોકોએ તેમને વોટ આપ્યા નહીં.
જેડીયુ સાંસદે કહ્યું કે, જો આગામી સમયમાં આ સમાજના લોકો કામ કરાવવા આવશે તો ચા- નાસ્તો જરૂર કરાવશે પરંતુ તેમનું કામ કરશે નહીં. ચા નાસ્તો કરો પણ મદદની કોઈ આશા રાખતા નહીં. જણાવી દઈએ કે દેવેશ ચંદ્ર ઠાકુર સીતામઢી લોકસભા બેઠક જીત્યા છે. તેઓ એક શૈક્ષણિક કામ માટે ગયા હતા. જ્યાં તેઓ આવું બોલ્યા હતા.
તેમણે કહ્યું કે, એનડીએના વોટ કપાયા તેનું કોઈ યોગ્ય કારણ નથી. સૂરી અને કલવારા સમાજના અડધાથી વધુ વોટ ઓછા થયા. કુશવાહા સમાજના વોટ અચાનક બંધ થઈ ગયા. આ બધા તો એનડીએના વોટ હતા. શા માટે કપાયા? કુશવાહા સમાજ એટલે ખુશ છે કે લાલુ પ્રસાદે આ સમાજના 7 લોકોને ટિકિટ આપી હતી. કુશવાહા આટલા બધા સ્વાર્થી થઈ ગયા છે. બિહાર સરકારમાં આ સમાજના બીજેપીથી ડેપ્યુટી સીએમ છે. ઉપેન્દ્ર કુશવાહા જીતી ગયા હોત તો આજે કેન્દ્રીય મંત્રી હોત. કુશવાહા સમાજના 5-7 લોકો એમપી બની જાય તો પણ સીતામઢીમાં તેનો શું ફર્ક પડશે.
તેમણે કહ્યું કે, હું કુશવાહા સમાજના લોકોને કહી દઉં કે કામ કરાવવા લાલુના 7 કુશવાહા ઉમેદવારો પાસે જાઓ તો કેવું લાગશે. મારી પાસે એક મુસ્લિમ સમાજનો વ્યક્તિ કામ કરાવવા આવ્યો હતો. પરંતુ મેં સ્પષ્ટ કરી દીધું કે તમે પહેલી વખત આવ્યા એટલે હું વધુ નહીં કહું. નહીં તો હું છોડત નહીં. યાદવ અને મુસલમાન સમાજનું મારા દરવાજે સ્વાગત છે. આવો.. બેસો અને ચા નાસ્તો કરો પરંતુ કામની વાત ના કરતા. હું તેમનું કામ નહીં કરું.