માવજીની મતદારોને અપીલ : ભગવાન રામે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, મેં તો 30 વર્ષનો ભોગવ્યો, હવે તો મામેરું ભરજો!

By: nationgujarat
09 Nov, 2024

બનાસકાંઠા : વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પર ભારે પડતા જોવા મળી રહ્યાં છે. વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે મામેરાની રાજનીતિ જોવા મળી રહી છે. વાવના બાલુન્દ્રી ગામે પોતાના સાસરે પહોંચેલા અપક્ષ ઉમેદવાર માવજીભાઈએ સાસરિયાઓ પાસે મામેરા રૂપી મત માંગ્યા હતા. તેમણે કહ્યું કે, તમે અગાઉ એક વાર સામાજિક મારૂ મામેરું તો જોરદાર ભર્યું હતું કોઈ કમી નતી રાખી, પણ હવે વધુ એક વાર મામેરું ભરવાનું આવ્યું છે કોઈ કમી ન રાખતા. હું આ વખતે મારી માટે નહીં પ્રજા માટે મામેરું માંગુ છું. 14 વર્ષનો વનવાસ તો રામે પણ ભોગવ્યો હતો, મેં તો 30 વર્ષનો વનવાસ ભોગવ્યો છે. હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે સામેવાળા બંને તો મોટિયડા છે, એને પછી કોક વખત આવે તો સાચવી લેજો પણ આ વખતે તો મારૂ મામેરું ભરજો. બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જમ્યો છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે વચ્ચે ભાજપ અને કોંગ્રેસએ પોતાના પ્રદેશના નેતાઓને મેદાને ઉતારી દીધા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગામે ગામ સભાંઓ ગજવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ખાટલા બેઠકો કરી રહ્યા છે. આ વચ્ચે આ વાવ પેટાચૂંટણીના ત્રીપખિયા જંગમાં અપક્ષમાંથી મેદાને ઉતરેલા માવજી પટેલ હવે રોડ શો થકી મતદારો વચ્ચે પહોંચી રહ્યા છે.

માવજીભાઈએ સવારે ઢીમા ધરણીધર ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવી ઢીમાની પવિત્ર ભૂમિ પરથી રોડ શોની શરૂઆત કરી હતી. આ રોડ શો ગામે ગામ જશે અને માવજીભાઈ મતદારો સુધી પહોંચશે. ઢીમાંથી બાઇક રેલી લઈને પ્રચાર માટે નીકળેલા માવજી પટેલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે હું ગામેગામ પ્રચાર માટે જઈ રહ્યો છું. લોકોનો મને ખુબજ સાથ મળી રહ્યો છે. ભલે ભાજપ અને કોંગ્રેસે પોતાના નેતાઓ અને મંત્રીઓની ફોજ પ્રચાર માટે ઉતારી છે. પરંતુ આખરે મત તો જનતાને આપવાના છે અને જનતા મારી સાથે છે. જે ભાજપના લોકો કહેશે કે ‘બટેંગે તો કટેંગે’ એટલે ભાજપને વોટ આપજો પણ અમારા સમાજમાં ક્યારેય ભાગ નહિ પડે મારા સમાજના તમામ લોકો મારી સાથે છે. જ્યારે અગાઉ હું ચૂંટણી લડ્યો હતો એટલે કે પરબતભાઇ ચૂંટણી લડ્યા ત્યારેય કયારેય ભાગ પડ્યા નથી. હવે પણ નહીં પડે. સર્વ સમાજ પણ મારી સાથે છે એટલે જીત મારી થશે હું બેટ થકી ધુઆધાર બેટિંગ કરીને હરીફોને હંફાવીને જીત મેળવીશ. તો જે ભાભર-સુઇગામ અને ભાભર-રાધનપુર રોડ બિસમાર છે અને પ્રજા હેરાન થાય છે તો તે કેન્દ્ર સરકારનો રોડ છે માટે તે તેમની જવાબદારી છે.

કાર્યક્રમમાં એક મતદારે કહ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસે કોઈ કામ કર્યા નથી. અમે રોડ માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગેનીબેન અને શંકરભાઈ જોડે ગયા પણ કઈ કામ ન થયા હવે માવજીભાઈ જ જીતશે.


Related Posts

Load more