મારા પપ્પા ઝવેરા પધરાવવા ગ્યાતા ને અંદર…’, કેનાલમાં ડૂબ્યા બાદ પિતા માટે દીકરીનું કલ્પાંત રડાવી દેશે
By: nationgujarat
14 Jul, 2025
ગાંધીનગર નજીક અડાલજમાં ગઇકાલે બનેલી એક દુર્ઘટનાએ માત્ર એક પરિવારને નહીં, પણ આખા સમાજને ઝંઝોળી નાખ્યો છે. 6 વર્ષની માસૂમ દીકરીના આંખ સામે તેના પિતા કેનાલમાં ડૂબી જાય અને તે કંઈ કરી ન શકે. એવી અકલ્પનીય ઘટના ગઇકાલે બની. ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, એક અનુભવી પીડિયાટ્રિક તબીબ અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિ, ગઇકાલે અડાલજ નર્મદા કેનાલમાં દુર્ઘટનાગત રીતે ડૂબી ગયા અને તેમનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું.
ડૉ. નિરવ પોતાની દીકરી દ્વીજાને ગોરાના જવારા પધરાવવા માટે સાથે લઈને એક્ટિવા પર અડાલજ કેનાલે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દીકરીને કેનાલની બહાર ઊભી રાખી અને પોતે જવારા પધરાવવા માટે પાણીમાં ઉતર્યા. તે સમયે દીકરી ત્યાં ઊભી રહીને તેના પિતાની રાહ જોતી હતી પણ તે ક્ષણે તેને શું ખબર કે તેના પપ્પા હવે પાછા નહીં ફરે.
જ્યારે ડૉ. નિરવ જવારા પધરાવવા માટે કેનાલમાં ઉતર્યા, ત્યારે પાણીની ધારા વધુ હોવાને કારણે તેમનું સંતુલન બગડ્યું અને પળભરમાં જ તેઓ ડૂબી ગયા. દીકરીના મુખેથી નીકળેલી હાયહાય અને ચીસો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા. નાનકડી દીકરી પપ્પાને બચાવવા માટે એક્ટિવા પર ઊભી રહીને આંખો ભરી રડી હતી. પણ તેનું રડવું ન તો પાણી રોકી શક્યું, ન તો પપ્પાને પાછા લાવી શક્યું.દીકરીનો અવાજ સાંભળીને ત્યાં એક રિક્ષાચાલક આવ્યા. દીકરી રડતાં રડતાં ફક્ત એક જ વાત કહેતી હતી – “મારા પપ્પા મારા જવારા પધરાવવા ગયા હતા…” રિક્ષાચાલકે દીકરીને શાંત કરી અને બહાદુરી દાખવી કેનાલમાં ઝંપલાવ્યા. તેમણે નિરવભાઈને બહાર કાઢ્યા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.આ દુઃખદ ઘટના સમગ્ર તબીબી જગતમાં અને વિસ્તારમાં શોકની લાગણી છોડી ગઈ છે. અસીમ પ્રેમના થોડા ઝરણાં, હવે નર્મદાની લહેરોમાં વિલીન થઈ ગયા છે…સૌથી વધુ હૃદયદ્રાવક તો એ છે કે એક નાનકી દીકરીએ પોતાના પપ્પાને સામે ડૂબતા જોયા… અને તેમ છતાં કંઈ કરી શકી નહીં.