વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે પ્રચારનાં પડઘમ શાંત થઈ ગયાં હતાં. અને આજે મતદાન છે ત્યારે આ વખતના ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ જાહેરસભા ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાજયના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ કે વડાપ્રધાન નરેન્દ્રમોદી નહીં, પણ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગજવી હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે ઓવરઓલ સૌથી વધુ 75 સભા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. એ પછી નીતિન ગડકરીએ 72, દેવેન્દ્ર ફડણવીસે 64, અજિત પવારે 64, અમિત શાહે 16 અને યોગી આદિત્યનાથે 11 પ્રચારસભા સંબોધી હતી.
વિરોધી પક્ષોના સંગઠન મહાવિકાસ આઘાડી વતી સૌથી વધુ 65 સભા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ,ઉદ્રવ ઠાકરેએ 60, શરદ પવારે 55, આદિત્ય ઠાકરેએ 50 અને સુપ્રિયા સુળેએ 46 સભા સંબોધી હતી.
જયારે મહાયુતિ કે મહાવિકાસ આઘાડીમાંથી કોઈની પણ સાથે યુતિ કરવાને બદલે સ્વતંત્ર ચૂંટણી લડનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ 34 અને વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે 51 જાહેરસભા કરી હતી.