ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઈવોલ્ટેજ મેચ રમાનારી છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રેક્ષકો ખીચોખીચ ભરેલા હશે અને મેચનો રોમાંચ જબરદસ્ત હશે. પરંતુ આ રોમાંચમાં વરસાદ ખલેલ પહોંચાડશે કે કેમ એ વાતની ચિંતા ક્રિકેટ રસિકોને સતાવી રહી હતી. માત્ર સ્ટેડિયમમાં હાજર રહેનારા જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ રસિકો ભારત પાકિસ્તાન વચ્ચેની વિશ્વકપની મેચને લઈ આ સવાલથી ચિંતિત હતા.
જોકે અમદાવાદના હવામાન વિભાગે આ અંગે સ્પષ્ટ વાત કરી દીધી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે, શનિવારે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. પરંતુ રવિવાર અને સોમવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. આમ ક્રિકેટ રસિકો માટે રાહતના સમાચાર એ છે કે, શનિવારે વરસાદનુ વિઘ્ન નહીં નડે. અગાઉ આઈપીએલની ફાઈનલ મેચમાં વરસાદે રમતમાં ખલેલ પહોંચાડી હતી અને રિઝર્વ ડે પર મેચ રમાઈ હતી. આમ હવે ભારત પાકિસ્તાન મેચ જોવા ઉત્સુક ક્રિકેટ રસિયાઓ વરસાદનો કોઈજ વિક્ષેપ વિના મેચનો આનંદ લઈ શકશે.