ઈરાને ઇઝરાયલના કન્ટેનર જહાજ MSC એરીઝમાંથી પાંચ ભારતીયોને મુક્ત કર્યા છે. ગુરુવારે, ઈરાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે પાંચેય ભારત જવા રવાના થઈ ગયા છે. અગાઉ 18 એપ્રિલે મહિલા કેડેટ એન ટેસા જોસેફને મુક્ત કરવામાં આવી હતી. 11 ભારતીય ક્રૂ મેમ્બર હજુ પણ ઈરાનમાં કેદ છે.
ઈરાનમાં ભારતીય દૂતાવાસે આ સહયોગ માટે ઈરાનના અધિકારીઓનો આભાર માન્યો છે. ખરેખરમાં ઇઝરાયલ પર હુમલા પહેલા ઈરાને ઓમાનની ખાડીમાં હોર્મુઝ પાસથી ભારત આવી રહેલા પોર્ટુગીઝ ધ્વજવાળા જહાજને જપ્ત કર્યું હતું. આ માહિતી 13 એપ્રિલે આપવામાં આવી હતી. તેમાં 25 ક્રૂ મેમ્બર્સ હાજર હતા, જેમાંથી 17 ભારતીય અને બે પાકિસ્તાની હતા. આ જહાજ ઇઝરાયલના ઉદ્યોગપતિનું હતું
ભારતે અત્યાર સુધી શું કર્યું?
ભારતના વિદેશ મંત્રાલયે જોસેફની મુક્તિ પર કહ્યું હતું કે ભારત સરકાર જહાજ પર હાજર બાકીના 16 ભારતીયોના સંપર્કમાં છે. ક્રૂના તમામ સભ્યો સ્વસ્થ છે અને ભારતમાં તેમના પરિવારના સંપર્કમાં છે. આ લોકોના ઘરે પરત ફરવા માટે ઈરાનના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.
ભારતનું વિદેશ મંત્રાલય રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જહાજમાં ફસાયેલા બાકીના ભારતીયોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા 14 એપ્રિલે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે તેમણે આ મામલે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતીય અધિકારીઓને ટૂંક સમયમાં જ ક્રૂમાં સામેલ ભારતીય નાગરિકોને મળવાની મંજૂરી આપવામાં આવશે.
આ જહાજ UAEથી નીકળીને ભારત આવી રહ્યું હતું
13 એપ્રિલના રોજ, MCS એરીઝ, ઇઝરાયલના એક અબજોપતિનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું, તેને ઈરાનના દળોએ કબજે કરી લીધું હતું. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડો યુએઈથી રવાના થયેલા જહાજ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા. ઈરાને આરોપ લગાવ્યો હતો કે જહાજ પરવાનગી વિના તેમના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ જહાજમાં ઇઝરાયલના એક ઉદ્યોગપતિની પણ ભાગીદારી છે.
વિશ્વનું 20% ઓઈલ હોર્મુઝ પાસમાંથી પસાર થાય છે
વિશ્વનું 20% ઓઈલ હોર્મુઝ પાસમાંથી પસાર થાય છે જેમાંથી ઈરાને ભારત આવતા જહાજને કબજે કરી લીધું છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ 2023માં દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝ પાસમાં અનેક સો બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઈલો તહેનાત કરી છે. જે એક પછી એક અનેક ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.
માત્ર ઈરાન જ નહીં અમેરિકાએ પણ આ વિસ્તારમાં ઝડપથી સૈનિકો અને હથિયારો તહેનાત કર્યા છે. અમેરિકાએ તેના એ-10 થંડરબોલ્ટ 2 વોરપ્લેન, એફ-16 અને એફ-35 ફાઇટર જેટ તહેનાત કર્યા છે. આ સિવાય અમેરિકાના ઘણા યુદ્ધ જહાજો પણ આ વિસ્તારમાં હાજર છે.