ભારતના કેનેડા પર પ્રહાર:કેનેડાના આક્ષેપો રાજકિય પ્રેરિત

By: nationgujarat
21 Sep, 2023

કેનેડા મુદ્દે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના જવાબ આપ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ‘આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે. અમને લાગે છે કે આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.’ ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ પર બાગચીએ કહ્યું કે ‘અમારી પાસે કેનેડાથી વધુ રાજદ્વારીઓ છે. આ બાબતમાં અમારી સંખ્યા ઘણી ઓછી છે. આગામી દિવસોમાં કેનેડિયન એમ્બેસીના વધુ કર્મચારીઓ ઉમેરવામાં આવશે.’ તેમણે કહ્યું કે ‘અમે ખાલિસ્તાન સાથે જોડાયેલા પુરાવા કેનેડાને અનેક પ્રસંગોએ આપ્યા છે, પરંતુ કોઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.’

ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા સ્થગિત કરી
ભારત-કેનેડાના સંબંધો દિવસે ને દિવસે વણસતા જાય છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે અને કેનેડાના નાગરિકો માટે વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે.

બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કોવિડ-19 પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય એવો આ પહેલો બનાવ છે.

મીડિયા અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે ‘ભારતીય મિશન તરફથી મહત્ત્વપૂર્ણ સૂચના: 21મી સપ્ટેમ્બર 2023 [ગુરુવાર]થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.’

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારીએ વિઝા સેવાઓ સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી, પરંતુ વધુ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.

કેનેડામાં લાખો ગુજરાતી સ્ટુડન્ટ ભણે છે

ભારત અને કેનેડાના વણસેલા સંબંધો પછી ગુજરાતી સ્ટુડન્ટ્સ અને તેના પેરેન્ટ્સમાં ચિંતા ઉદભવી છે. એક અંદાજ મુજબ ગુજરાતમાંથી દર વર્ષે 40 હજાર જેટલા ગુજરાતીઓ કેનેડાનાં અલગ અલગ શહેરમાં અને વિવિધ યુનિવર્સિટીમાં જાય છે. વર્ષ 2023માં અત્યાર સુધી 9 લાખ જેટલા સ્ટુડન્ટ કેનેડાની જુદી જુદી સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. તેમાંથી 1 લાખ 85 હજાર એટલે અંદાજે 20 ટકા સ્ટુડન્ટ માત્ર ભારતના છે. કેનેડા ભણવા જનારા સ્ટુડન્ટ્સમાં સૌથી વધારે પંજાબના છે, બીજા નંબરે હરિયાણાના છે અને ત્રીજા નંબરે ગુજરાતના સ્ટુડન્ટ્સ છે. જે ગુજરાતી સ્ટુડન્ટ કેનેડા ભણવા ગયા છે તેમનાં મા-બાપને ચિંતા થઈ રહી છે કે હવે શું થશે, જોકે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ કહે છે કે અહીં તણાવ જેવું નથી દેખાતું, બધું નોર્મલ છે. ભારત સરકારે કેનેડામાં રહેતા સ્ટુડન્ટ અને ભારતીય લોકોને સાવધાનીથી રહેવા સલાહ આપી તો કેનેડા સરકારે તેની પ્રતિક્રિયારૂપે કહ્યું, કેનેડા આવવામાં કાંઈ વાંધો નથી. બધું સેઇફ છે. આ બધા વચ્ચે સ્વાભાવિક રીતે કેનેડા રહેતાં મા-બાપને ચિંતા થાય, પણ અત્યારે જે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે એ વચ્ચે સ્ટુડન્ટ્સને કોઈ વાંધો આવે એવું જણાતું નથી.

BLS વેબસાઈટ પર મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી રહ્યો છે. ભારે રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. હકીકતમાં બંને દેશો વચ્ચે તણાવ ત્યારે વધી ગયો જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો, જેને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.


Related Posts

Load more