Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સાતમી મેએ પાકિસ્તાનમાં ચાર સ્થળોએ અને પીઓકેમાં પાંચ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતો, જેમાં આતંકીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે અને પહલગામમાં માર્યા ગયેલા લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જો કે, ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન હવે ઘૂંટણિયે પડી ગયું છે અને આ દરમિયાન પાકિસ્તાની નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)એ ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો સંપર્ક કર્યો છે તેમ સુત્ર દ્વારા જાણકારી મળી રહી છે.
પાક.ના નાયબ પીએમએ આપી માહિતી
ઓપરેશન સિંદૂર પછી ભારતે મામલો ન વધારવાની જાહેરાત કરી છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાઓનો જવાબ આપવાની વાત કરી છે. પરંતુ એક મહત્ત્વપૂર્ણ અહેવાલો સામે આવ્યા છે કે, પાકિસ્તાનના NSA અને ISI વડા અસીમ મલિકે અજિત ડોભાલ સાથે વાત કરી છે.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઈશાક ડારે અસીમ મલિકની અજિત ડોભાલ સાથેની વાતચીત અંગે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરે સંપર્કો સ્થાપિત થયા છે.’ નોંધનીય છે કે,ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની NSA અને ISI વડા દ્વારા અજિત ડોભાલ સાથે ફોન કરીને વાત કરવામાં આવી તે પાકિસ્તાન તરફથી એક વિનંતી સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
ભારત સરકારે દરેક સ્તરે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈપણ સ્તરે વાતચીત થઈ નથી. ભારતની સ્પષ્ટ નીતિ છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. એટલા માટે કેન્દ્ર સરકારે દરેક સ્તરે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો છે.