જામનગરમા આજે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજોએ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ત્રણ જિલ્લાની રિવ્યૂ બેઠકનું આયોજન કર્યું હતું. ખાસ કરીને આગામી નગરપાલિકા અને મહાનગરપાલિકા ચૂંટણીને લઇ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જામનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક, પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના પ્રદેશ કોંગ્રેસ નેતા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જામનગર, દ્વારકા અને પોરબંદરના કોંગી અગ્રણીઓ, જનપ્રતિધીઓ સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેમજ નવા લોકો જોડાઈ તેની સમીક્ષા બેઠક યોજાઇ છે. ભાજપ પર પ્રહારો કરતા શક્તિસિંહે ગોહિલે જણાવ્યું કે ભાજપ સરકાર મુઠીભર માલામાલ થાય છે, ભાજપના 20 જેટલા વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ છે જે અંગ્રેજોના રાજમાં પણ કોઈ પાસે ન હતી. ભાજપે વર્ષ 2014માં ખેડૂતની આવક દર વર્ષે બમણી કરવાના વચનો આપ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં પણ ખેડૂતોની આવક બમણી થઈ નથી. આવક તો ન થય પરંતુ ખર્ચાઓ બમણા થયા છે.
સરકારમાં પેપર ફૂટે, બ્રિજ તૂટે, ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે
શક્તિસિંહ ગોહિલે સરકારને આડે હાથ લીધા હતા. આ સરકારમાં પેપર ફૂટે, બ્રિજ તૂટે, ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે. ડીમોલિશનના નામે નાના લોકોના મકાનો ઉપર બુલડોઝર ફરે છે. ભાજપના બે જૂથોની લડાઈમાં એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવે એવી શરમજનક પરિસ્થિતિ અત્યારની છે. અમે સંગઠન વધુ મજબૂત બને અને નવા લોકો કોંગ્રેસમાં જોડાઈ તે માટે કાર્યકરો સાથે વાર્તાલાપ કરીશું. પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથે જામનગરના કોંગી અગ્રણીઓ, કોર્પોરેટરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.