ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ માટે 1 ઓગષ્ટથી ચુંટણી પ્રક્રિયા: ડીસેમ્બર સુધીમાં નવા અધ્યક્ષ

By: nationgujarat
15 Jul, 2024

નવી દિલ્હી,તા.15
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની ટર્મ પણ પુર્ણ થઈ ગઈ છે. ઉપરાંત તેઓને કેન્દ્ર સરકારમાં પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી ડીસેમ્બર સુધીમાં કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.

ભાજપના સૂત્રોએ કહ્યું કે, પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ માટે 1 ઓગષ્ટથી ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ દરમ્યાન વિરાટ સભ્યપદ નોંધણી ઝુંબેશ કરાવા સાથે પ્રદેશ-જીલ્લા એકમોને મજબૂત બનાવાશે. 15 સપ્ટેમ્બર સુધી સભ્યપદ ઝુંબેશ ચલાવાશે. ત્યારબાદ 16થી30 સપ્ટેમ્બર સુધી સક્રીય સભ્ય ઝુંબેશ ચાલશે. 1થી15 ઓકટોબર સક્રીય સભ્યોનું વેરીફીકેશન હાથ ધરાશે.

ભાજપના બંધારણ પ્રમાણે દરેક સભ્યની 9 વર્ષે ફેરનોંધણી ફરજીયાત છે. આ વર્ષે વડાપ્રધાન, પક્ષ પ્રમુખ સહિત તમામ નેતાઓની ફેરનોંધણી કરાવવાની થાય છે. 1થી15 નવેમ્બર મંડળ પ્રમુખોની ચુંટણી થશે. 16થી30 નવેમ્બર જીલ્લા પ્રમુખોની ચુંટણી થશે ત્યારબાદ પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરે નિમણુંકો શરૂ થશે.

પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. 50 ટકા રાજયોમાં આ પ્રક્રિયા આટોપાયા બાદ રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કયા કારણોસર મોડુ થઈ રહ્યું છે તેની ચર્ચા સત્તાના ગલિયારામાં છેડાઈ છે. અંતરંગ માહિતી એવી પણ બહાર આવી છે કે, તમામ મંત્રીઓને આગામી 15થી 20 દિવસ સુધી પોતાના વિભાગોમાં કોઈપણ નીતિવિષયક નિર્ણય ન કરવા મોવડીમંડળે બંધબારણે આદેશ અપાયો છે. આ પ્રકારનો આદેશ ગુજરાતના રાજકારણમાં કાંઈક ઉથલપાથલના સંકેત આપે છે.

સંભવત: આ આગામી પખવાડિયામાં મંત્રીમંડળનું વિસ્તરણ શકય બની શકે છે. કેટલાક સૂત્રો એક પણ કહી રહ્યા છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોવાથી ખાતાની ફેરબદલ નિશ્ર્ચિત છે તેથી મંત્રીઓની આ પ્રકારની સૂચના અપાઈ હોઈ શકે છે. બીજી વાત એવી છે કે, કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસના આયાતી ધારાસભ્યને સામેલ કરવા સામે અંદરખાને ભારે વિરોધ છે.

આ ગાંઠ ઉકેલવા માટે પણ કેબિનેટ વિસ્તરણ ઘોંચમાં પડયું છે. ઉલ્લેખનીય છે, ભાજપની ટિકિટ પરથી ચૂંટાયેલા પૈકી અર્જુન મોઢવાડિયા, સી.જે. ચાવડાને મંત્રીમંડળમાં સામેલ કરાશે એમ મનાય છે.

હાલમાં કેબિનેટ કક્ષામાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, અને રાજય કક્ષામાં ભીખુભાઈ પરમાર અને કુંવરજી હળપતિ એમ કુલ 4 મંત્રી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ નવેસરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા. હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને એમાં વધુ 2 મૂળ કોંગ્રેસીઓને સ્થાન આપવા સામે ભાજપમાં અંદરખાને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

બનાસકાંઠા ઉપરાંત અન્ય જીલ્લા પંચાયત તથા નગરપાલિકાની 3-4 માસમાં ચૂંટણી થયા બાદ જ સંગઠનમાં ફેરફારની શકયતા
ગાંધીનગર તા.15

લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં પ્રધાનપદે નિયુક્ત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠન હોદ્દા પરથી મુક્ત કરવાની દરખાસ્ત કરી હોવી છતાં હજુ થોડા મહિના સુધી તેઓને ચાલુ રાખવામાં આવે તેવા સંકેતો છે.

ભાજપમાં ઉચ્ચસ્તરે થઈ રહેલી ચર્ચા પ્રમાણે સંસદનુ બજેટ સત્ર ખત્મ થાય ત્યાં સુધી ભાજપ સંગઠનના મોરચે બદલાવની કોઈ પહેલ કરે તેવી કોઈ સંભાવના ઓછી છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠા બેઠક ગુમાવવી પડી હતી. આવતા દિવસોમાં બનાસકાંઠા તથા ખેડા જીલ્લા પંચાયત ઉપરાંત અન્ય કેટલીક નગરપાલિકાઓની ચુંટણી યોજાવાની છે. આવતા ત્રણ-ચાર મહિનામાં આ ચુંટણી થવાની હોવાથી ભાજપ હાઈકમાંડ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ચુંટણી સુધી ચાલુ રહેવાની સુચના આપે તેવી સંભાવના છે.

કેજરીવાલે ભાજપને લોકસભા ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણીમાં ફટકો પડયો જ છે. ગુજરાતની એક બેઠક ગુમાવી હોવાથી તેવા પણ નબળા મેસેજ ગયા છે. હવે ગુજરાતમાં જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામ નબળા આવે તે પાર્ટીને પોસાય ન શકે. નવા પ્રમુખ નીમવામાં આવે તો નવા સંગઠનની ગોઠવણમાં સમય જાય અને તૈયારીમાં અવરોધ આવે એટલે હાલ તુર્ત પાટીલને જ ચાલુ રાખવામા આવે તેવી સંભાવના છે.


Related Posts

Load more