Bharuch Case : ભરૂચ નજીક આવેલા કવિઠા ગામમાં નબીપુરના પીઆઇ તેમજ બે કોન્સ્ટેબલો દારૂ વેચવા માટે દબાણ કરે છે તેવા અનેક આક્ષેપો સાથેની સ્યૂસાઇડ નોટ લખીને ધુળેટીના દિવસે જ એક ખેતરમાં જઇને ગામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. નબીપુરના પીઆઇ અને બે કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સ્યૂસાઇડ નોટ મળતાં પીઆઇ અને બે કોન્સ્ટેબલો સામે તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો
આ અંગેની વિગત એવી છે કે ભરૂચ તાલુકાના કવિઠા ગામે બેંક ઓફ બરોડાની સામે રહેતા કિર્તનભાઇ વસાવા (ઉ.વ.45) તેમજ ઘરના સભ્યો ધુળેટીના દિવસે ઘેર હતાં. દરમિયાન બપોરના સમયે કિર્તન વસાવા ગામમાં ફરવા માટે નીકળ્યા હતાં. બાદમાં સાંજે કિર્તને તેના ભાઇ ચન્દ્રકાન્ત વસાવાના મોબાઇલ પર વોટ્સએપ ઓડિયો ક્લિપ મોકલી હતી જેમાં કિર્તને ઉલ્લેખ કર્યો હતો કે નવિન બાબર પટેલના ખેતરમાં મેં ઝેરી દવા પી લીધી છે.
આ મેસેજના પગલે ચન્દ્રકાન્તભાઇ, કિર્તનની પુત્ર હિરલ તેમજ ઘરના અન્ય સભ્યો ખેતરમાં દોડી ગયા ત્યારે કિર્તનને મોંઢામાંથી ફીણ નીકળતું હતું અને તેઓ કશું બોલતા ન હતા જેથી તાત્કાલિક ઇકો ગાડીમાં એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં પરંતુ ત્યાં હાજર ફરજ પરના તબીબે કિર્તનનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં કિર્તનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં કિર્તનના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ ગુજરાતી શબ્દમાં હાથથી લખેલી મળી હતી.
આ સ્યૂસાઇડ નોટમાં નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મુકેશ કે. પરમાર તેમજ બે કોન્સ્ટેબલો રાજેન્દ્રસિંહ અને સંદિપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. દારૂના ધંધા માટે હેરાન કરાતો હોવાનો ઉલ્લેખ હતો અને ઘરમાં પોલીસના માણસો ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આખરે મૃતક કિર્તનની પુત્રી હિરલની ફરિયાદ નોધી પીઆઇ એમ.કે. પરમાર, કોન્સ્ટેબલો રાજેન્દ્રસિંહ અને સંદિપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો હતો.
નબીપુરના પીઆઇ મુકેશ પરમારને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા
ભરૂચ તાલુકાના કવિઠા ગામના ચકચારભર્યા આત્મહત્યાના બનાવમાં નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ તાત્કાલિક પગલાં લીધા હતાં અને નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મુકેશ પરમારને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા અને પોલીસ સ્ટેશનનો ચાર્જ એસઓજીના સેકન્ડ પીઆઇ એ.એચ. છૈયાને સોંપ્યો હતો.
પીઆઇ વિરૂદ્ધ એક મહિના પહેલાં રજૂઆત છતાં પગલા લેવાયા ન હતાં
નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કવિઠા ગામે કિર્તનના આત્મહત્યાની ઘટના બાદ ભરૂચના સાંસદ અને વાગરાના ધારાસભ્યે એક મહિના પહેલા નબીપુર પોલીસ વિરૂદ્ધ રજૂઆત કરી હતી. સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ન્યાયિક તપાસની માંગણી કરી હતી.
યુવાનની ખિસ્સામાંથી મળેલી સ્યૂસાઇડ નોટમાં આક્ષેપ
ભરૂચ તાલુકાના કવિઠા ગામે આઘેડે સ્યૂસાઇડ નોટ લખી પોતાના ખિસ્સામાં નાંખી આત્મહત્યા કરી લીધી હતી.હાથથી લખેલી આ સ્યૂસાઇડ નોટમાં તેણે જણાવ્યું હતું કે આ લોકો ખોટા કેસ બનાવે છે, હું પહેલાં દારૂ વેચતો હતો પણ મેં ચાર મહિના જેવું બંધ કરી દીઘું છે, એક કેસ તો મેં કબૂલ કરી દીધો છે, તો પણ આ લોકો મારી ગાડી છોડતા નથી અને મને ખોટો ફસાવે છે, રાતના મારી છોકરી અને વાઇફ અને બેનને પણ લઇ ગયા હતાં. રોજ ઘેર આવે છે બઘું ચેક કરે છે, મારા ઘરનાઓને પણ માં, બહેન જેવી ગાળો બોલે છે.
આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહી કરુ તો પણ પૈસા માંગે છે, ગામમાં મારે રહેવા જેવું કઇ રહેવા નથી દીઘું એટલે હું દવા પીને મારું જીવન ટૂંકાવું છું, હું આ બઘું લખું છું તેનું કારણ મારા ગયા પછી મારા ઘરવાળાને હેરાન ના કરે બસ, આ મારી અરજી એસપી સાહેબ પાસે જાય અને યોગ્ય પગલાં લે એ જ મારી અરજી છું.
લિ. કિર્તન એ. વસાવા
રાજેન્દ્રસિંહ જમાદાર, સંદિપભાઇ જમાદાર, પરમાર સાહેબ નબીપુર પો.સ્ટે.ના
લિં. કિર્તન એ. વસાવા