બહાર દુકાન કે લારીમાથી ફરાળી વાનગીઓ ખાનાર આ અહેવાલ ખાસ વાંચે

By: nationgujarat
06 Aug, 2025

Rajkot Raids News Updates: રાજકોટમાં ઉપવાસ અને તહેવારો દરમિયાન લોકોની આસ્થા સાથે ચેડા કરવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. તાજેતરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં પાડવામાં આવેલા દરોડામાં જલારામ ફરસાણ નામની દુકાનમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. આરોગ્ય વિભાગને મળેલી બાતમીના આધારે જલારામ ફરસાણની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ કરતા માલુમ પડ્યું હતું કે દુકાનદાર ફરાળી પેટીસ બનાવવા માટે બટેટાના માવાને બદલે મકાઈના લોટનો ઉપયોગ કરી રહ્યો હતો.

શ્રાવણમાં ફરાળી પેટીસ ખાનારા લોકો સાવધાન થઈ જજો. જો પેટીસ ખાધી તો તમારો ઉપવાસ તૂટવાનું નક્કી છે, કેમકે શ્રાવણ માસમાં લોકોની આસ્થા સાથે રાજકોટમાં એક મોટા ચેડા થવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. ફરાળી પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે, શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર જલારામ ફરસાણમાંથી નમૂના લેવાયા હતા. આ પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે. આમાં 85 કિલો વાસી પેટીસનો જથ્થો, 5 કિલો મકાઈનો લોટ પકડાયો હતો. આમાં મકાઈનો લોટનો ઉપયોગ કર્યાનો વેપારીનો પણ સ્વીકાર કર્યો છે. આ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાંથી દાઝ્યા તેલમાં પેટીસ બન્યાનો ખુલાસો થયો હતો.

 

મકાઈનો લોટ ફરાળી ન હોવા છતાં તેને ફરાળી વસ્તુ તરીકે વેચવામાં આવતો હતો. જે ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી હતી. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને દુકાનમાંથી મળી આવેલા 85 કિલો ફરાળી પેટીસના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 5 કિલો મકાઈના લોટનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનદાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાએ ઉપવાસ કરતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. લોકોની ધાર્મિક આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી હતી. આ કિસ્સો દર્શાવે છે કે ઉપવાસ દરમિયાન વસ્તુઓ ખરીદતી વખતે પણ સાવચેત રહેવું જરૂરી હોય છે.


Related Posts

Load more