વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ -કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વાવના ઢીમાં ખાતે ધરણીધર અને ઢીમણનાગ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જોકે માવજી પટેલે ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ચૌધરી મતો ક્યારેય વેચાશે નહિ. ભલે કોઈ કહે કે ‘બટેંગે તો કટેંગે’ પણ અમારો સમાજ મારી સાથે જ છે. તેમજ અન્ય સમાજોનો પણ મને પૂરો સાથ મળી રહ્યો છે. હવે બધા નેતાઓ બનીને નીકળી પડ્યા છે. પણ હું અહી વર્ષીથી કામ કરૂં છું. પ્રજા બધાને ઓળખે છે.માવજી પટેલે આગળ કહ્યું કે, આજે ઢીમાંથી હું બાઇક રેલી સ્વરૂપે, ટડાવ, બાલુત્રી, સણવાલ, દૈયાપ, માવસરી, કુંડાળીયા, રાધાનેસડા, ચોથારનેસડા, ભાખરી, રાછેણા, ગોલગામ, બુકણા, ખીમાણાવાસ થઈને વાવ જઈશ વચ્ચે અનેક ગામોમાં ચૂંટણી પ્રચાર કરીશ. મારો સમાજ મારી સાથે જ છે..હવે બધાઓ નેતા થઈને નીકળી પડ્યા છે.
વાવ વિધાનસભાના સુઈગામ ખાતે કોંગ્રેસનું જાગીરદાર સમાજ સ્નેહમિલન યોજાયું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનો સંમેલનમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં વાવ, સુઈગામ અને ભાભરના જાગીરદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આમ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા કોંગ્રેસ-ભાજપ સહિત અપક્ષના ઉમેદવારો સામાજિક સંમેલનો કરી રહ્યાં છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સભાઓ કરી પોતાને જીતાડવાની અપીલ કરી રહ્યા છે. તો ભાજપ-કોંગ્રેસના અનેક મોટા નેતાઓ અને મંત્રીઓ ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મતદારોનો ઝુકાવ ક્યાં પક્ષના ઉમેદવાર બાજુ છે. મતદારો ક્યાં પક્ષના ઉમેદવારને ધારાસભ્ય બનાવવા માંગે છે અને મતદારોનો શુ મિજાજ છે તે જાણવા માટે ઝી કલાકની ટીમ વાવ વિધાનસભાના ભાભર ખાતે પહોંચી હતી અને મતદારો સાથે સંવાદ કર્યો હતો. જ્યાં મોટાભાગના મતદારો હવે આ વખતે પરિવર્તન ઇચ્છી રહ્યા છે અને ભાજપના ઉમેદવારને જીતડવાની વાત કરી રહી છે.
મતદારોએ શું કહ્યું…
મતદારોનું કહેવું છે કે ગેનીબેન ઠાકોર અહીં બે વખત ધારાસભ્ય રહ્યા પણ તેમણે ભાભરમાં કોઈ જ વિકાસ કર્યો નથી. અહીં રોડ ,રસ્તા અને પાણીની સમસ્યા છે. જોકે અહીં ગેનીબેનના સમાજના મતો વધારે હોવાથી તેમજ અગાઉની ચુંટણીમાં જાતિવાદ ઉપર વોટ મળવાથી ગેનીબેન ઠાકોર જીતતા હતા. જોકે હવે સ્થિતિ બદલાઈ છે અને લોકો સમજી રહ્યા છે જેથી ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલે અહીં વિકાસ કરવા માટે ભાજપના ઉમેદવાર ધારાસભ્ય બને તે જરૂરી છે. માટે આ વખતે વાવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વિજેતા બનશે અને ચૂંટણી ભાજપ જ જીતશે. હાલ કોંગ્રેસ કે અપક્ષ ક્યાંય દેખાતું નથી જેથી ભાજપના ઉમેદવારને આ વખતે વિજેતા બનશે.