ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ભારતીય ક્રિકેટ ચાહકો 19 નવેમ્બર 2023ની તારીખને તેમની યાદોમાં બિલકુલ રાખવા માંગતા નથી. વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતનારી ભારતીય ટીમ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે હારી ગઈ હતી. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી અને આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. પીએમ મોદી આખી મેચ ન જોઈ શક્યા, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઈનિંગની વચ્ચે સ્ટેડિયમ પહોંચી ગયા. ભારતીય ટીમની હાર બાદ પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ 2023ના ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ફાઈનલ મેચમાં ત્રણેય વિભાગોમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.
રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર મોદી સાથેનો ફોટો શેર કરતા લખ્યું, ‘અમારા માટે ટૂર્નામેન્ટ શાનદાર રહી, પરંતુ અમે ગઈકાલે થોડા ઓછા પડ્યા. અમે બધા દુખી હતા, પરંતુ લોકોનો ટેકો અમને આગળ વધતો રાખે છે.
ગઈ કાલે જ્યારે નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં આવ્યા ત્યારે તે અમારા માટે ખાસ હતું, તે અમારા માટે ખૂબ જ પ્રેરક હતું. આ દરમિયાન ઝડપી બોલર શમીએ લખ્યું, “દુર્ભાગ્યવશ ગઈકાલ (રવિવાર) અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીયોનો આભાર માનું છું. પીએમ નરેન્દ્ર મોદીનો આભાર, જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા.
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં લીગ મેચથી લઈને સેમીફાઈનલ સુધીની દરેક મેચ જીતી હતી. આ દરમિયાન ભારતે લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 લીગ રાઉન્ડ દરમિયાન બે મેચ હારી ગયું હતું. એક સાઉથ આફ્રિકા સામે અને એક ભારત સામે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું અને ત્યારબાદ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જ્યારે ફાઇનલમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.