પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવીશું: ભાજપ નેતા બિધૂડીનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ ભડકી

By: nationgujarat
05 Jan, 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આક્ષેપબાજીએ જોર પકડ્યું છે. ભાજપ નેતા અને કાલકાજી વિધાનસભા બેઠકમાંથી ઉમેદવાર રમેશ બિધૂડીના વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશું.’

રમેશ બિધૂડી હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. બિધૂડીનું આ વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયા બાદ મીડિયા દ્વારા તેમની પાસેથી સ્પષ્ટીકરણ મગાવવામાં આવ્યું છે.

બિધૂડીએ દોષનો ટોપલો બીજાના માથે ઢોળ્યો

બિધૂડીએ પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપવાના બદલે તેને ટેકો આપતાં કહ્યું કે, ‘અગાઉ લાલુ યાદવે પણ હેમા માલિનીના ગાલ જેવા બિહારના રસ્તાઓ બનાવવાનું વચન આપ્યું હતું. જો કોંગ્રેસને આ નિવેદનથી દુઃખ નહોતું થયું તો મારા નિવેદનથી કેમ, હેમા માલિની પણ લોકપ્રિય હિરોઈન છે અને ફિલ્મોના માધ્યમથી ભારતનું નામ રોશન કર્યું છે. જો આ નિવેદન ખોટું છે તો તે નિવેદન પણ ખોટું હતું, તે સમયે કોંગ્રેસે તેનો વિરોધ કેમ ના કર્યો? કોંગ્રેસના પવન ખેડા એન્ડ કંપની રાજનીતિમાં આ અંતિમ હદ સુધી પહોંચ્યા છે. તેઓ લોકોની સેવા કરવાના બદલે દલાલીઓ કરી અહીં સુધી આવ્યા છે. મારુ નિવેદન ખોટું કહેતાં પહેલાં લાલુ યાદવના નિવેદનની ટીકા કરવી પડશે.

પારિવારિક ભેદભાવ કરે છે કોંગ્રેસઃબિધૂડી

રમેશ બિધૂડીએ પૂછ્યું કે, ‘કોંગ્રેસ કહી રહી છે કે, આ મહિલાઓનું અપમાન છે. તો શું હેમા માલિની મહિલા નથી. તે દક્ષિણના સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી તેમનું અપમાન એ અપમાન નથી, પરંતુ પ્રિયંકા ગાંધી માટે આ નિવેદન અપમાનજનક છે. કોંગ્રેસ પારિવારિક ભેદભાવ કરે છે.  હેમા માલિની અને પ્રિયંકાનું લેવલ એક સમાન નથી?.

શું બિધૂડી માફી માંગશે?

બિધૂડીના આ કટાક્ષને ધ્યાનમાં લેતાં લાગી રહ્યું છે કે, તેઓ આવા અપમાનજનક નિવેદનની માફી નહીં માગે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, સૌથી પહેલાં કોંગ્રેસ હેમા માલિની પાસે માફી માગે, જો તે માફી માંગશે તો હું પણ માફી માંગીશ.

રાજકારણ ગરમાયું

રમેશ બિધુડીના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ અને બિધુડી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે ‘ભાજપ કટ્ટર મહિલા વિરોધી છે, પ્રિયંકા ગાંધી વિશે રમેશ બિધુડીનું નિવેદન શરમજનક છે. આ નિવેદન મહિલાઓ પ્રત્યેની તેમની બીમાર માનસિકતા દર્શાવે છે, જે વ્યક્તિએ ગૃહમાં તેના સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો હોય અને તેને કોઈ સજા ન મળી હોય તેના પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? આ છે ભાજપનો અસલી ચહેરો. શું ભાજપના મહિલા નેતાઓ, મહિલા વિકાસ મંત્રી, જેપી નડ્ડા કે ખુદ વડાપ્રધાન આ નબળી ભાષા અને વિચારસરણી પર કંઈ કહેશે?

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ‘પીએમ પોતે મહિલા વિરોધી, ખરાબ ભાષાનો ઉપયોગ કરનારા વ્યક્તિ છે, જેઓ મંગળસૂત્ર અને મુજરા જેવા શબ્દો અપમાનમાં બોલે છે. તો તેમના લોકો પાસેથી બીજી શું અપેક્ષા રાખીએ? આ સાથે કોંગ્રેસે બિધુડીની આ નબળી વિચારસરણી માટે માફી માગવા જોર કર્યું છે


Related Posts

Load more