એક બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલ ગઇકાલે પ્રથમ વખત રાજકોટની મુલાકાત લીધી હતી. જોકે પાટીલ રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણી પારસ બેડિયાની અધ્યક્ષતામાં સફાઇ કામદારો ભરતીના વિરોધમાં વિરોધ કરવા પહોંચતા હોબાળો મચી ગયો હતો. સી.આર.પાટીલનાં આગમન પહેલા મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચતા સફાઈ કામદારોને શહેર પ્રમુખે કડક ભાષામાં ખખડાવ્યા હતા. પરંતુ પછી પરસેવો છૂટતા ખુલાસો આપવો પડ્યો હતો.
ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ભાજપના કાર્યાલયના કાર્યક્રમમાં આવ્યાં હતાં. આ સમયે ભાજપ પક્ષના જ દલિત સમાજના યુવા અગ્રણી અને સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ કાર્યકરો અને લોકો સાથે રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. જોકે, ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશીએ કડક ભાષામાં તતડાવ્યા હતા. શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું, આ રીતે વિરોધ કરવો એ યોગ્ય ન કહેવાય. જોકે, બાદમાં મીડિયા સાથેની વાતચાતમાં કહ્યું કે મોટા ભાઈ તરીકે બોલ્યો, તેમ છતા દિલથી માફી માંગુ છું. તેમણે જણાવ્યું કે, રજૂઆત કરવા આવનાર ભાજપ પરિવારના હતા. આ માટે મોટાભાઈ તરીકે ઠપકો આપ્યો હતો.