પીએમ મોદીની સામે વારાણસીમાં ચૂંટણી લડી રહ્યાં છે આ 6 ઉમેદવાર, જાણો આ 6 ઉમેદવારો કોણ-કોણ છે ?

By: nationgujarat
28 May, 2024

ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક દેશની VVIP બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે 2024માં તેમની સામે ઓછામાં ઓછા 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી 41 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે 33 ઉમેદવારોના નામાંકન રદ થયા હતા અને એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ રીતે વારાણસીમાં પીએમ મોદી સહિત માત્ર સાત ઉમેદવારો મેદાનમાં છે. આમાં ગઠબંધનના ઉમેદવાર અજય રાયનું નામ પણ સામેલ છે.

જો છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો 2014માં વારાણસીથી કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે વર્ષ 2019માં 26 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ ચૂંટણીમાં સપાની શાલિની રાય બીજા ક્રમે રહી હતી. આ વખતે ઉમેદવારો બે આંકડાનો આંક પણ પાર કરી શક્યા નથી.

વારાણસી લોકસભા સીટને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. ભાજપ 1991થી સતત આ બેઠક જીતી રહ્યું છે. જોકે, 2004માં માત્ર એક જ વાર કોંગ્રેસના રાજેશ કુમાર મિશ્રા જીતી શક્યા હતા. આ વિસ્તારમાં બહુમતી ઉચ્ચ જાતિના મતદારો છે. તેમાં બ્રાહ્મણો, ભૂમિહાર અને જાયસ્વાલનો સમાવેશ થાય છે, આ સિવાય મોટી સંખ્યામાં મુસ્લિમો અને ઓબીસી પણ છે.

અજય રાય (કોંગ્રેસ-સપા ગઠબંધન ઉમેદવાર)
આ વખતે પીએમ મોદીને ચૂંટણી મેદાનમાં પડકારવા માટે માત્ર 6 ઉમેદવારો મેદાનમાં છે. આમાં પહેલું નામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયનું છે, જેઓ ઈન્ડિયા એલાયન્સ વતી ચૂંટણી લડી રહ્યા છે. અજય રાયને એક મજબૂત છબી ધરાવતા નેતા માનવામાં આવે છે, તેઓ વર્ષ 2009, 2014 અને 2019માં ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્રણેય વખત ત્રીજા સ્થાને રહ્યા હતા અને ભારે માર્જિનથી હારી ગયા હતા. આ વખતે સપા-કોંગ્રેસના ગઠબંધનના કારણે તેઓ જોરદાર ટક્કર આપી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સપા સાંસદ ડિમ્પલ યાદવ પણ તેમના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.

અતહર જમાન લારી (બહુજન સમાજ પાર્ટી) 
બહુજન સમાજ પાર્ટીએ અહીંથી અતહર જમાલ લારી (70)ને મેદાનમાં ઉતાર્યા છે. લારી 1960ના દાયકાથી સમાજવાદી રાજકારણ સાથે સંકળાયેલા છે. તેઓ જનતા પાર્ટીમાં પણ વિવિધ હોદ્દા પર હતા. વર્ષ 1984 માં તેઓ પ્રથમ વખત વારાણસીથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા આ પછી વર્ષ 1991 માં તેઓ જનતા દળની ટિકિટ પર વારાણસી કેન્ટથી વિધાનસભા બેઠક લડ્યા હતા અને બીજા સ્થાને રહ્યા હતા. 2004માં લારીએ અપના દળ તરફથી ચૂંટણી લડી અને ત્રીજા સ્થાને રહી. તેણે 2022ની ચૂંટણીમાં સપાને સમર્થન આપ્યું હતું અને હવે બસપા તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

કોલિસેટ્ટી શિવકુમાર (યુગ તુલસી પાર્ટી)
આ યાદીમાં આગળનું નામ યુગ તુલસી પાર્ટીના કોલિસેટ્ટી શિવકુમારનું છે, જેઓ મૂળ હૈદરાબાદના છે અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ભૂતપૂર્વ બોર્ડ સભ્ય છે. તેમણે લાંબા સમયથી ગાયોના રક્ષણ માટે કામ કર્યું છે. તે ત્રણ ગૌશાળાના માલિક છે, જેમાં 1,500 ગાયોને આશ્રય આપવામાં આવે છે. તેમનો ચૂંટણી મુદ્દો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો છે.

ગગન પ્રકાશ યાદવ (અપના દલ કમેરાવાદી) 
અપના દળ કામેરાવાદીથી ગગન પ્રકાશ યાદવ (39) વારાણસી બેઠક પરથી મેદાનમાં છે અને પીડીએમ (પછાત, દલિત અને મુસ્લિમ) ના નારા લગાવી રહ્યા છે. તેમને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સમર્થન પણ છે. ઓવૈસી પોતાના ચૂંટણી પ્રચાર માટે વારાણસી પણ આવ્યા હતા.

દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર (અપક્ષ ઉમેદવાર) 
આ સિવાય બે અપક્ષ ઉમેદવારો દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારી પણ પીએમ મોદી સામે લડી રહ્યા છે. દિનેશ કુમાર છેલ્લા 15 વર્ષથી સ્થાનિક રાજકારણમાં સક્રિય છે, તેમનું કહેવું છે કે તેઓ દેશમાં લોકશાહી બચાવવા માટે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સંજય કુમાર દિલ્હીમાં સમાજ કલ્યાણના કામ કરે છે અને ગાંધીવાદી વિચારધારાને અનુસરે છે.


Related Posts

Load more