પાપોથી મુક્ત કરે છે પાપમોચિની એકાદશીનું વ્રત, આ દિવસે શ્રીહરીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

By: nationgujarat
05 Apr, 2024

Papmochani Ekadashi 2024: વર્ષ દરમિયાન 12 એકાદશી આવે છે. જેમાંથી દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. જેમાં ફાગણ મહિનામાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી કહેવાય છે. આ દિવસે શ્રી હરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારના પાપથી મુક્તિ મળી જાય છે. હિન્દુ ધર્મમાં આ વ્રતને વિશેષ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવ્યું છે.

પંચાંગ અનુસાર આ વર્ષે પાપમોચિની એકાદશીનું વ્રત 5 એપ્રિલ 2024 અને શુક્રવારના દિવસે રાખવામાં આવશે. આ દિવસે વ્રત કરવાની સાથે કેટલાક ઉપાય પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

એકાદશીના ઉપાય

1. ધાર્મિક માન્યતા અનુસાર પાપમોચિની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. તુલસીમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે. સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો અચૂક કરવો.

2. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી અને પછી તેમની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.

3. જો તમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મેળવવી હોય તો પાપમોચિની એકાદશીના દિવસે જ્યારે દીવો કરો ત્યારે તેની નીચે કેટલાક ચોખાના દાણા રાખી દો. જ્યારે દીવો ઓલવાઈ જાય તો તે ચોખાને લઈને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી જીવનમાં આર્થિક સંકટ નહીં આવે.

4. જો દાંપત્ય જીવનમાં સમસ્યા હોય તો પાપમોચિની એકાદશીના દિવસે પતિ પત્નીએ સાથે મળીને તુલસી પૂજન કરવું. સાથે જ તુલસીમાં એક લાલ દોરો બાંધવો. તેનાથી સંબંધમાં મજબૂતી આવશે અને આપસી પ્રેમ વધશે.


Related Posts

Load more