વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ દોડી આવ્યા છે અને કમલમમાં ઉમેદવારોએ કરેલા કામનો રિપોર્ટ મેળવ્યો હતો. બાદમાં જૂથવાદ અને નારાજગીને ડામવા રાજકોટ જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે સમીક્ષા બેઠક શરૂ કરી હતી. પહેલાં રાજકોટની ચાર બેઠક માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી, બાદમાં ગ્રામ્યની ચાર બેઠક માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જો કે, બેઠક પહેલા પાટીલે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કરેલા કામનો રિપોર્ટ મેળવવા આવ્યો છું. બેઠક બાદ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.
કાર્યકર્તાઓએ મતદાતા સાથે સંપર્ક બનાવ્યો
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સવારે દ્વારકા બાદ રાજકોટ આવ્યો છું. રાજકોટ બાદ ભરૂચ પહોંચી સમીક્ષા બેઠક યોજવામાં આવશે. મતદાનને એક જ દિવસ બાકી છે ત્યારે વધારે કહેવું યોગ્ય નથી. પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ મતદાતા સાથે સંપર્ક બનાવ્યો છે. ગુજરાત અને દેશનું ભવિષ્ય જેના હાથમાં સુરક્ષિત છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છેસમસ્યા હોય તેનો હલ લાવવા બેઠક યોજી
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે. આજે સાંજે પ્રચાર પણ બંધ થઈ જશે. એટલે અમારા ઉમેદવારો પાસે કાઈ કરવાનું બાકી હોય અને કાર્યકર્તાઓએ જે તૈયારી કરી હોય તેની એક સમીક્ષા બેઠક રાખી છે. કોઈ સમસ્યા હોય તો હલ કેવી રીતે લાવી શકાય તેના પ્રયત્નો કરવામાં આવશે. અહીંની તૈયારી છે તે રાજ્યના અન્ય જિલ્લામાં પણ કરી શકાય છે.
રાજકોટની 8માંથી 4 બેઠક ભાજપ માટે ચિંતાજનક
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકમાંથી 4 બેઠક પર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હોય તેવું જાણવા મળ્યું છે. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, જસદણ અને ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે. બે દિવસ પહેલા જ ડો.ભરત બોઘરાને રાજકોટ શહેરની ચારેય અને જસદણ બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યા છે. ત્યારે પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં બોઘરા સાથે ડેમેજ કંટ્રોલની ચર્ચા થયાનું જાણવા મળ્યું છે.