જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ તેજ કરી છે. તે જ સમયે, જળ ઉર્જા પ્રધાન સાથે બેઠક કર્યા પછી, ગૃહ પ્રધાન અમિત શાહે નિર્ણય લીધો છે કે સિંધુ નદીના પાણીનું એક ટીપું પાકિસ્તાન નહીં જાય. આ પછી પાકિસ્તાનના નેતાઓ ગુસ્સે ભરાયા છે અને પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અમેરિકા સહિત તમામ મોટા દેશોએ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિએ એવી પણ આશા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન આ મુદ્દાને પોતાની વચ્ચે ઉકેલી લેશે.
ભારતીય સેનાએ શુક્રવારે એક એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સાથે કાશ્મીરમાં આતંકવાદીઓના ઘરોની તલાશી લીધા બાદ તેમને વિસ્ફોટો દ્વારા ઉડાવી દેવામાં આવી રહ્યા છે. તેનાથી આતંકવાદીઓના નેટવર્ક પર અસર પડશે.પાકિસ્તાની સેનાએ સતત બીજા દિવસે સરહદ પર ગોળીબાર કર્યો હતો. આ પહેલા પણ ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.