પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. કંચનજંગા એક્સપ્રેસને ન્યૂ જલપાઈગુડીના રંગપાની સ્ટેશન પાસે પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 15ના મોત થયા હતા અને 60થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. કંચનજંગા એક્સપ્રેસ આસામના સિલચરથી સિયાલદહ જઈ રહી હતી.
પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીડિતોને વળતરમાં વધારો કરવામાં આવશે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માતમાં જેમને નાની-મોટી ઈજા થઈ છે તેમને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.
રેલવેએ જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. જેમાંથી 5 મુસાફરો અને 3 રેલવે સ્ટાફ છે. રેલ્વે સ્ટાફમાં ગુડ્સ ટ્રેનના ડ્રાઈવર, આસિસ્ટન્ટ ડ્રાઈવર અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડે જીવ ગુમાવ્યા છે. રેલ્વેએ કહ્યું કે ઘટના સ્થળે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. માર્ગ સાફ કરવામાં આવી રહ્યો છે.