નારિયેળ તેલના ડબાનો ભાવ 4000 રુપિયાની વિક્રમી સપાટીએ, પ્રતિ ડબાના ભાવમાં 100નો વધારો

By: nationgujarat
27 Mar, 2025

Coconut Oil Price Increase Gujarat: દેશમાં નારિયેળ અર્થાત્ શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો થવાના પગલે નારિયેળ તેલ (કોકોનટ ઓઈલ)ના ભાવ જે પહેલેથી જ ઉંચી સપાટી પર રહ્યા છે, તેમાં સતત વધારાના પગલે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર તેલ બજારમાં પ્રતિ 15 કિલો ડબ્બાએ નારિયેળ તેલમાં વધુ રૂ. 100ના વધારા સાથે રૂ. 3900-3950ના સોદા ભાવે પડ્યા હતા.

માત્ર 3 માસના સમયમાં જ નારિયેળ તેલના ભાવમાં પ્રતિ 15 કિલો ડબ્બાએ રૂ. 750નો વધારો નોંધાયો છે અને દેશમાં ક્વિન્ટલના સરેરાશ ભાવ રૂ. 26,000થી રૂ. 29,000 સુધીના છે. ગુજરાતમાં માત્ર 27,000 હેક્ટરમાં નારિયેળનું વાવેતર થાય છે તેમાં વર્ષે 25 કરોડ નંગ ઉત્પાદન થાય છે. જ્યારે કર્ણાટક-તમિલનાડુ બે રાજ્યમાં જ વર્ષે 1200 કરોડ જેવું અને કેરલમાં 550 કરોડ નંગનું ઉત્પાદન સહિત દેશમાં કુલ વર્ષે આશરે 2200 કરોડ નંગ નારિયેળનું ઉત્પાદન થાય છે. નારિયેળ અને નારિયેળ તેલ મોંઘુદાટ થવાના મુખ્ય કારણોમાં ક્લાઈમેટ ચેન્જથી ઉત્પાદન પર પડેલી પ્રતિકૂળ અસર ઉપરાંત ભારતમાં ધાર્મિકોત્સવમાં ખૂબ વધેલો વપરાશ કારણભૂત મનાય છે. ઉલ્લેખનીય છે કે શ્રીફળ એ દરેક પ્રકારની પૂજાવિધિમાં વપરાય છે. સુકા નારિયેળની સાથે લીલા નારિયેળના ભાવમાં પણ વધારો થયો છે. સૌથી વધુ નારિયેળ પકવતા તમિલનાડુમાં જાઓ તો પણ ત્યાં રૂ.60-70ના નંગ લેખે વેચાય છે અને ગુજરાતમાં પણ આ જ ઉંચા ભાવ હોય છે. નારિયેળમાં પણ હવે હાઈબ્રીડ નારિયેળ જેમાં મીઠાશ વધારે છે તેનું ઉત્પાદન સાઉથમાં થવા લાગ્યું છે.


Related Posts

Load more