ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક વખત નકલી હોસ્પિટલ ઝડપાઇ છે. નાના ચિલોડા વિસ્તારમાંથી બોગસ હૉસ્પિટલ ઝડપાઇ છે. ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડૉક્ટર બનીને હોસ્પિટલ ચલાવતો હતો. AMCનું નકલી સર્ટિફિકેટ બનાવી હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. થ્રી સ્ટાર હોસ્પિટલના નામથી ICU, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું.
ખોટા ડૉક્યુમેન્ટના આધારે છેતરપિંડી આચરવામાં આવી
રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલના ખોટા સહી સિક્કા બનાવવામાં આવ્યા છે તેમજ અલગ અલગ ડૉક્ટરના નામના ખોટા કેસ પેપર, મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગના ઇસ્યુ થયેલા નંબરનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હતો. દર્દી પાસેથી ગેરકાયદેસર સારવારના રૂપિયા વસૂલવામાં આવતા હતા. સારવાર માટેના જરૂરી કાગળો બનાવી ક્લેઇમ પાસ કરાવવામાં આવતો હતો. વીમા કંપનીમાં ખોટા ડૉક્યુમેન્ટ રજૂ કરી પૈસા મેળવવામાં આવ્યા હતા તેમજ વીમા કંપની અને પોલિસી ધારકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.
બોગસ હોસ્પિટલ ઝડપાઇ
બનાવની વિગતો જોઇએ તો અમદાવાદમાં ન્યુ શાહિબાગ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલે અંગત ફાયદા માટે નરોડા નાના ચિલોડા વિસ્તારમાં શીખર એવન્યુ કોમ્પલેક્ષમાં છઠ્ઠા માળે દુકાન ભાડે રાખીને AMCના સહિ સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવી કોઇપણ જાતના રજીસ્ટ્રેશન વગર થ્રી સ્ટાર હોસ્પિટલ ICU,ટ્રોમા સેન્ટરના નામથી હોસ્પિટલ ઉભી કરી હતી.
આ સાથે જ અલગ અલગ ડોક્ટરના ગુજરાત મેડિકલ કાઉન્સીલીંગ તરફથી ઇસ્યુ થયેલ રજીસ્ટ્રેશન નંબરોનો દૂરઉપયોગ કરી સારવાર સર્ટી બનાવી દર્દીની સારવાર કરી દર્દી પાસેથી નાણા પડાવવામાં આવ્યા હતા. તે બાદ ક્લેઇમ પેપર્સ તૈયાર કરી મેડિક્લેઇમ માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને દર્દીઓને ક્લેઇમ મંજૂર કરી પૈસા પરત અપડાવવા બાહેધરી આપી હતી.આ ઘટના મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.