Navsari Road Repair: નવસારીના વિજલપોરમાં તૂટી ગયેલા, બિસ્માર, ખાડા ટેકરાવાળા રસ્તાઓનું રિપેરીંગ નહી કરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા હોવા છતા નગરસેવકોના પેટનું પાણી નથી હલતું. કાછીયા વાડી ગામના યુવાનો સહિતના રહીશોએ જાતે કોંક્રીટ નાંખી રસ્તાઓની હંગામી ધોરણે મરામત કરી લીધી હતી.
નગરસેવકો, પાલિકા પ્રમુખ, ધારાસભ્યને રજૂઆતો છતા ઘોરતા રહ્યા લોકો
નવસારી વિજલપોર નગરપાલિકામાં સમાવિ વોર્ડ નં 5 અને 6માં ચોમાસામાં રસ્તાઓ ભારે વરસાદમાં ધોવાઈ જતાં ઠેર ઠેર નાના મોટા ખાડા ટેકરાઓથી અત્યંત બિસ્માર બન્યા હતા. જેને પગલે શહેરના રહીશો ગ્રામ્ય વિસ્તારના ખાડા ટેકરાવાળા બિસ્માર રસ્તાનો અનુભવ કરી ભારે હાલાકી વેઠી રહ્યા હતા. આ બિસ્માર રસ્તાની મરામત માટે કાછિયાવાડીના રહીશો દ્વારા પોતાના વિસ્તારના નગર સેવકોને તેમજ વારંવાર પાલિકા પ્રમુખ, ધારાસભ્યને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ મરામત ની કામગીરી કરી ન હતી. આથી કાછીયા વાડી ગામના યુવાનો રહીશોએ લોકભાગીદારીથી પોતાના વિસ્તારનો રસ્તો સ્વખર્ચે કોંક્રિટ નાખી જેવો આવડે એવો હાલ પુરતો હંગામી ધોરણે મરામત કરી નાખી છે.
નગરશેઠ’ બની ગયેલા નગરસેવકોની લોકોએ મૂછ કાપી લીધી
આ રસ્તાની મરામત બાદ પાલિકા તંત્રએ કરવાની કામગીરી કાછીયાવાડી ગામના યુવાનોએ જાત મહેનત જિંદાબાદ એમ જાતે જ તંત્રનું કામ કરી નાંખ્યું હતું. નવસારી વિજલપોર નગરપાલિકા તંત્ર અને વોર્ડ નં 5 અને 6ના નગર સેવકો અને ધારાસભ્ય સમક્ષ વારંવારની રજૂઆતો છતા કામગીરી થઇ નહોતી અને લોકોએ જાતે કરેલી કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને તંત્ર, નેતાઓની ઝાટકણી કાઢતા મેસેજ લખ્યા હતા. કાછીયા ગામના રહીશોએ ટિપ્પણી કરી હતી કે, અમારા વોર્ડ 5 અને 6ના નગરસેવકો નહિ પણ ‘નગરશેઠ’ છે.
સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ
ઉલ્લેખનીય છે કે નવસારી વિજલપોર નગરપાલિકામાં સમાવિ તમામ વોર્ડ અને શહેરના રાજમાર્ગો ચોમાસામાં ભારે વરસાદમાં ધોવાઇ ગયા બાદ દિવાળી ટાણે પણ મરામત કે રિકારર્પેટ નહિ થતાં બિસ્માર અને ધૂળિયા રસ્તાથી વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા તાકીદે નવા રસ્તાઓ બનાવી લોકોને સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગણી ઉઠી છે.