નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

By: nationgujarat
12 May, 2024

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા છે. 6 લોકો દરિયામાં ડૂબવાની ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 4 લોકો દરિયામાં લાપતા થયા છે. રવિવાર હોવાના કારણે પરિવાર અહીં ફરવા માટે આવ્યો હતો. નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા જેમાં 2 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે ચાર લોકો લાપતા છે/

આજે રવિવારની રજા હોવાથી છ લોકો દાંડી ફરવા આવ્યા હતા. જ્યા છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે. બે મહિલા અને બે પુરુષો પાણીમાં ગરકાવ થયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.

ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી જે ચાર લોકો દરિયામાં લાપતા થયા છે તેમની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા છે.  આજે રવિવાર હોવાના કારણે નવસારી અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ફરવા માટે આવતા હોય છે.

ડૂબી ગયેલા 4 લોકોમાં 3 રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે.  નવસારીમાં રહેતા પરિવારને ત્યાં રાજસ્થાનથી મહેમાન આવ્યા હતા. તેઓ  દાંડીના દરિયાકાંઠે ફરવા આવ્યા હતા. દુર્ગા (17), યુવરાજ ( 20), દેશરાજ (15 વર્ષ) ત્રણ લોકો રાજસ્થાનના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. જ્યારે સુશિલાબેન (38) નવસારીના રહેવાસી છે.

દાંડીના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે, અત્યારે દરિયામાં મોટી ભરતી છે. ભરતીના પાણીમાં પ્રવાસીઓ અંદર જાય છે. આ લોકોને પાણીનો ખ્યાલ નથી આવતો. આજે જે ઘટના બની છે એ ઘટના પણ ભરતીનું પાણી વધુ હોવાના કારણે બની છે. સરકાર અહીં એક બોર્ડ લગાવે કે દરિયાના પાણીમાં અંદર સુધી કોઈ જાય નહીં જેથી જાનહાનિ ન થાય.

દરિયામાં 4 લોકો ડૂબ્યા હોવાની જાણ થતા નવસારી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે. જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયાકિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more