નવસારીથી સી.આર.પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે

By: nationgujarat
29 Feb, 2024

Saurashtra BJP MP: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ જાણે રાજકીય પક્ષોમાં ઉમેદવારોના નામ જાહેર કરવાની હોડ જામી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ ભાજપ 100 ઉમેદવારના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાતની 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્લી જઈ દાવેદારોનું પોટલું ખોલ્યું છે.

ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો 18 સાંસદને ઘરે બેસવાનો વારો આવી શકે છે.. વિધાનસભા 2022 અને રાજ્યસભા ચૂંટણીની જેમ લોકસભા 2024માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જેના નામની ચર્ચા જ ન હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી શકે છે. તો 26 પૈકી 8 બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે. જ્યારે 18 બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં 8 સીટમાંથી 2 સીટ પર સાંસદને રીપીટ થાય તેવી શક્યતા છે જ્યારે 6 સાંસદો ઘરભેગા થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જે બે બેઠક પર સાંસદ રીપીટ થાય તેમાં પોરબંદરથી રમેશ ધડૂક અને જામનગરથી પુનમ માડમ રીપીટ થઈ શકે છે. જ્યારે અન્ય 6 સીટ પરના સાંસદોનું પત્તું કપાઈ શકે છે. જે સાંસદોનું પત્તુ કપાશે તેમાં જૂનાગઢથી રાજેશ ચુડાસમા, રાજકોટથી મોહન કુંડારિયા, સુરેન્દ્રનગરથી ડો. મહેન્દ્ર મુંજપરા, ભાવનગરથી ભારતીબેન શિયાળ, કચ્છથી વિનોદ ચાવડા અને અમરેલીથી નારણ કાછડીયાની ટીકીટ કપાવાનું લગભગ નક્કી છે.

લોકસભાની ચૂંટણીને લઇને રાજકિય ગતિવિધિ તેજ થઇ ગઇ છે. ભાજપની વાત કરીએ તો ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ નિશ્ચિત છે. તો નવસારી બેઠક પર સી.આર પાટીલ અને અમરેલી, ભાવનગર અને રાજકોટ બેઠક પર ફેરફારની શક્યતાજોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની બેઠક પર માંડવિયાનું નામની ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉમેદવારીને લઈ ભાજપમાં સૌથી વધુ ચર્ચા છે. એ કે બે નહિ પરંતુ ચાર બેઠક પર મનસુખ માંડવીયાના નામની ચર્ચા  થઇ રહી છે. ભાવનગર, અમરેલી, પોરબંદર અને રાજકોટ બેઠક પર માંડવીયાના નામની ચર્ચા છે. પોરબંદર પર વર્તમાન સાંસદની જગ્યાએ અન્યને ટિકિટ અપાઈ તો મનસુખ માંડવીયા પોરબંદરથી  ઉમેદવાર  બની શકે છે. ભાવનગર બેઠક પર જો કોળી સમાજના બદલે પાટીદાર નક્કી થાય તો સ્થાનિક તરીકે મનસુખ માંડવીયાને  ટિકિટ મળી શકે છે. આટલું જ નહી રાજકોટ બેઠક પર પણ મનસુખ માંડવીયાનું  હાલ ચર્ચામાં છે.


Related Posts

Load more