નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઈવર વિરુદ્ધ તપાસના આદેશ

By: nationgujarat
01 May, 2025

Karnataka: કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક સરકારી બસ ડ્રાઈવર દ્વારા ફરજ દરમિયાન બસને અધવચ્ચે રોકીને નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કર્ણાટક પરિવહન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ડ્રાઈવરના આ પગલાથી મુસાફરોને અસુવિધા થઈ અને કેટલાક મુસાફરોએ આ અંગે ફરિયાદ નોંધાવી.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના 29 એપ્રિલના રોજ બની હતી. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (KSRTC) ની બસ હુબલીથી હાવેરી જઈ રહી હતી. વાઈરલ વીડિયોમાં ડ્રાઈવર બસની અંદર એક સીટ પર બેસીને નમાઝ પઢતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ડ્રાઈવર સંપૂર્ણપણે નમાઝમાં લીન છે, જ્યારે કેટલાક મુસાફરો તેને જોઈ રહ્યા છે. બહાર રસ્તા પર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. આ ઘટના હુબલી-હાવેરી રોડ પર જાવેરી નજીક બની હતી. ડ્રાઈવરની ઓળખ એ. કે. મુલ્લા તરીકે થઈ છે.

મુસાફરોની પ્રતિક્રિયા

બસમાં હાજર કેટલાક મુસાફરોએ આ ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. મુલ્લાનો નમાઝ પઢતા હોવાનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે બસને અધવચ્ચે રોકવાથી અમારી મુસાફરીમાં વિલંબ થયો અને અમારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. કેટલાક મુસાફરોએ આ અંગે પરિવહન નિગમના અધિકારીઓને ફરિયાદ કરી હતી.

પરિવહન મંત્રીનું નિવેદન

કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ આ ઘટનાની નોંધ લીધી અને ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) ના મેનેજરને પત્ર લખીને તપાસનો આદેશ આપ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, જાહેર સેવામાં કામ કરતા કર્મચારીઓએ ફરજિયાતપણે અમુક નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે. દરેક વ્યક્તિને પોતાના ધાર્મિક પ્રથાઓનું પાલન કરવાનો અધિકાર છે, પરંતુ ફરજના સમય દરમિયાન તે ન કરવું જોઈએ. મુસાફરો સાથે બસને અધવચ્ચે રોકીને નમાઝ પઢવું એ વાંધાજનક છે.

ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 58 વર્ષીય મુલ્લા બે દિવસ પહેલા ફરજ પર હતા ત્યારે નમાઝ પઢતા કરતા જોવા મળ્યા હતા.

ઘટનાના તમામ પાસાઓની તપાસ કરીશું

NWKRTCના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ડ્રાઈવર સામે વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે અમે વીડિયોની સત્યતા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરીશું. મુસાફરોની ફરિયાદોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર તીખી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ ડ્રાઈવરના આ પગલાને અયોગ્ય ગણાવ્યું અને કડક કાર્યવાહીની માગ કરી છે.


Related Posts

Load more