ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ઉજવણી કરાઈ હતી. જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગ લાગવાની ઘટના, શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા હતા. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં દરરોજની સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504થી 12.34 ટકાનો વધારો નોંધાયો હતો.
છેલ્લા 3 દિવસમાં રાજ્યમા 102 આગને લગતી ઘટના સામે આવી
દિવાળીના પર્વથી લઈને નવા વર્ષ પહેલા દિવસ (31મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર) એમ છેલ્લા 3 દિવસમાં રાજ્યમા 102 આગને લગતી ઈમરજન્સી કેસ હતા. 31મી ઑક્ટોબરે 38, પહેલી નવેમ્બરે 40 અને બીજી નવેમ્બરે 24 આગને લગતા ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 28, રાજકોટમાં 8, સુરત 25 અને ભરૂચમાં 7 જેટલા ફાયર ઈમરજન્સી કેસ નોંધાયા હતા. બીજી તરફ શારીરિક ઈજાના કુલ 988 કેસો નોંધાયા હતા. રાજ્યના મોટા ભાગના શહેરોમાં સરેરાશ 10થી વધુ કેસ નોંધાયા હતા.
છેલ્લા ત્રણ દિવસમાં રોડ અકસ્માતના કુલ 2,829 કેસ નોંધાયા હતા. દિવાળી (31મી ઓક્ટોબર) દિવસે 921, પહેલી નવેમ્બરે 827 અને નવા વર્ષ (બીજી નવેમ્બર)ના દિવસે 1,081 કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક 943 કેસ હતા. આ 481 કેસની સામાન્ય સરેરાશથી 96.05% વધારો દર્શાવે છે. અમદાવાદમાં ઈમરજન્સીના કેસમાં એકંદરે 2.52%નો ઘટાડો જોવા મળ્યો હતો.
આગના બનાવોમાં ભારે નુકસાન થયું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવાળ ના દિવસે આગ લાગવાના અનેક બનાવો બન્યા હતા. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ મળતા રહ્યા હતા. દિવાળીને દિવસે લાગેલી આગના બનાવમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગી હતી. આગના બનાવોમાં ભારે નુકસાન થયું છે.