Bihar CM Nitish Kumar Slams Rabri Devi: બિહારમાં બજેટ સેશન દરમિયાન આજે વિધાન પરિષદમાં અનામત મુદ્દે ભારે હોબાળો થયો હતો. જેમાં વિપક્ષના ધારાસભ્યો અનામતના મુદ્દા સાથે ગ્રીન ટીશર્ટ પહેરી 65 ટકા અનામતને 9મી અનુસૂચીમાં સામેલ કરવાની માગ સાથે હોબાળો કરી રહ્યા હતાં. આ માગનું નેતૃત્વ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી કરી રહ્યા હતાં. એવામાં ફરી એકવાર રાબડી દેવીને ટાર્ગેટ કરતાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જીભ લપસી હતી.
આ શું બોલ્યા નીતિશ કુમાર?
આકરા નિવેદનો અને અવનવી પ્રતિક્રિયાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામત મુદ્દે માગ લઈને આવેલા વિપક્ષને તતડાવ્યો હતો. તેમણે રાબડી દેવીને ટાર્ગેટ કરતાં હદ વટાવી હતી અને તોછડાઈભર્યા વર્તન સાથે કહ્યું કે, ‘અરે તુ બેસી જા, આ તારી પાર્ટી નથી, તારા પતિની છે, તારૂ કશું જ નથી. તને તો કંઈ સમજણ પણ પડતી નથી. તારા પતિ સત્તા પરથી ઉતર્યા અને તને મુખ્યમંત્રી બનાવતા ગયાં. આ બિચારીને કંઈ જ આવડતુ નથી. બધાએ કીધુ કે આ પહેરીને ચાલો (અને તે ચાલવા લાગી).’
રાબડી દેવીને કર્યો પ્રશ્ન
નીતિશ કુમારે રાબડી દેવીને ટાર્ગેટ કરતાં પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘આ બધા જે કરી રહ્યા છે, તે કેમ કરી રહ્યા છે, હું તને પૂછુ છું. શા માટે આ પહેરીને આવી છે. આ તમામ નકામી વસ્તુ છે. બોગસ છે. ઉલ્લેખનીય છે, બિહાર વિધાન પરિષદમાં આજે વિપક્ષના ધારાસભ્યો 65 ટકા અનામતની જોગવાઈને બંધારણની અનુસૂચી 9માં સામેલ કરવાની માગ કરી રહ્યા છે. જેને લઈને તેઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
ચૂંટણી વચ્ચે નીતિશ કુમારનો ટાર્ગેટ વિપક્ષ
બિહારમાં આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પક્ષ-વિપક્ષે તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી સત્તા જાળવી રાખવા માટે સતત વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે. નીતિશ કુમાર અને રાબડી દેવી વચ્ચે અવારનવાર આકરા પ્રહારો જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં જ નીતિશ કુમારે રાબડી દેવી પર નિશાન સાધતા ટીકા કરી હતી. અગાઉ 20 માર્ચે પણ તેમણે વિપક્ષના હોબાળા પર રાબડી દેવીને ટાર્ગેટ કરતાં આરજેડી પર પ્રહારો કર્યા હતા કે, ‘જ્યારે તેના પતિની સરકાર હતી, ત્યારે બિહારની શું સ્થિતિ હતી. તેમણે શું કામો કર્યા તે ગણાવો પહેલાં. અમારી સરકાર આવ્યા બાદ બિહારમાં શાંતિ સ્થાપિત થઈ છે. અમે ઘણા કામો કર્યા છે. પતિ જેલમાં ગયા તો તેમના સ્થાને પત્નીને બેસાડતાં ગયા. પરંતુ તેણે પણ કોઈ કામ કર્યા નથી.’