તમિલનાડુને ‘સ્વાયત્ત’ બનાવવા વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM સ્ટાલિને કહ્યું- અમને પાવરની જરૂર

By: nationgujarat
15 Apr, 2025

MK Stalin Wants Tamil Nadu Autonomy: રાજ્યપાલ સાથે ખેંચતાણ વચ્ચે તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને રાજ્યને સ્વાયત્ત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. આપણા દેશમાં જુદી-જુદી ભાષા, જાતિ અને સંસ્કૃતિના લોકો વસે છે. આપણે સૌએ સાથે મળીને રહેવું જોઈએ. ડૉ. આંબેડકરે તમામની રક્ષા કરતાં દેશની રાજનીતિ અને પ્રશાસનની પ્રણાલી ઘડી છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વિધાનસભામાં કહ્યું કે, રાજ્યના અધિકારોની રક્ષા અને કેન્દ્ર-રાજ્યના સંબંધોને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ ઘડવામાં આવી છે. આ સમિતિમાં પૂર્વ અધિકારી અશોક શેટ્ટી અને એમ.યુ. નાગરાજન જેવા લોકો સામેલ થશે. આ સમિતિ જાન્યુઆરી, 2026 સુધી એક વચગાળાનો રિપોર્ટ રજૂ કરશે, બે વર્ષની અંદર સંપૂર્ણ રિપોર્ટ અને ભલામણો સરકારને સોંપવામાં આવશે.

રાજ્યોના હક છીનવાઈ રહ્યા છે

એમકે સ્ટાલિને કહ્યું કે, એક-એક કરીને રાજ્યોના અધિકાર અને હક છીનવાઈ રહ્યા છે. રાજ્યના લોકો પોતાના મૌલિક અધિકારો માટે કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આપણી ભાષા સાથે જોડાયેલા અધિકારોની પણ રક્ષા માંડ માંડ થઈ રહી છે. રાજ્ય તમામ પાયા પર વિકાસ ત્યારે જ કરી શકશે, જ્યારે તેમની પાસે તમામ જરૂરી અધિકારો અને શક્તિઓ હશે. રાજ્યોને વધુ સ્વાયત્તા (અધિકાર) આપવાની ભલામણ માટે એક વિશેષ સમિતિ બનાવવામાં આવી રહી છે. જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કુરિયન જોસેફ કરશે. આ સમિતિમાં પૂર્વ આઇએએસ અધિકારી અશોક વરદાન શેટ્ટી અને નાગરાજન પણ સામેલ થશે.

કેન્દ્ર સરકારે ફગાવી માગ

છેલ્લાં કેટલાક દિવસોથી તમિલનાડુ સરકાર, રાજ્યપાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. તમિલનાડુ સરકારે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETથી છૂટકારો મેળવવા માટે બિલ રજૂ કર્યું હતું. જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધુ હતું. રાજ્ય સરકાર ઇચ્છે છે કે, મેડિકલ કૉલેજમાં પ્રવેશ 12મા ધોરણની માર્કશીટના આધારે થાય. પરંતુ કેન્દ્રે આ પગલાંને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ વિરુદ્ધ ગણાવ્યું હતું. જેનાથી રાજ્ય સરકારને મોટું નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી.આ બિલ ફગાવાતા મુખ્યમંત્રી એમકે સ્ટાલિન નારાજ થયા હતા. તેમણે કહ્યું કે, આ નિર્ણય તમિલનાડુના અપમાન સમાન છે. ભલે કેન્દ્ર સરકારે અમારો પ્રસ્તાવ ફગાવી દીધો હોય, પરંતુ અમારી લડાઈ ખતમ થઈ નથી. અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.


Related Posts

Load more