ડાયાબિટીસ હોય તો કેરી ખવાય કે નહીં ? તમને પણ આ પ્રશ્ન થતો તો જાણી લો સાચો જવાબ

By: nationgujarat
21 Apr, 2024

કાળઝાળ ગરમીની સીઝનમાં મીઠી અને રસદાર કેરી જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે. દર વર્ષે લોકો ઉનાળામાં એક વસ્તુ માટે ખુશ થતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. ગરમીની શરુઆત થાય ત્યારથી જ લોકો કેરીની રાહ જોવા લાગે છે. નાના-મોટા સૌ કોઈને પ્રિય એવી કેરી ખાવાને લઈ એવા લોકોના મનમાં સતત પ્રશ્ન રહે છે જેમને ડાયાબિટીસ હોય

ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો કેરી ખવાય અને કેરી ન ખવાય આ વાતને લઈ રોજ ઝઘડા થતા હોય છે. ડાયાબિટીસ હોય તેને પણ કેરી ખાવાની ઈચ્છા તો થતી જ હોય.. તેવામાં મનમાં હંમેશા પ્રશ્ન રહે છે કે ડાયાબિટીસ હોય તેમણે કેરી ખાવી જોઈએ ? કેરી ખાવાથી બ્લડ શુગર વધી જાય ? દિવસમાં કેટલી કેરી ખાઈ શકાય ? જો તમને પણ આવા પ્રશ્ન સતાવતા હોય તો આજે તમને બધા જ પ્રશ્નનો સાચો જવાબ આપી દઈએ.

સ્વાસ્થ્ય નિષ્ણાંત જણાવે છે કે ડાયાબિટીસ હોય અને કેરી ખાવી હોય તો બ્લડ શુગરને મોનિટર કરો. બ્લડ શુગર કાયમ નોર્મલ રહેતું હોય તો કેરી ખાઈ શકાય છે. આ સિવાય કેરી ખાધા પછી પણ શુગર ચેક કરો. જેથી તમને ખ્યાલ આવે કે કેરી ખાધા પછી બ્લડ શુગરમાં કેટલો ફેરફાર થાય છે. બ્લડ શુગર વધારે રહેતું હોય તેમણે કેરી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

ઘણા લોકોને કેરી એટલી ભાવે છે કે ઘરમાં કેરી આવે એટલે દિવસમાં 3, 4 કેરી તો ખવાય જ જાય.. આવું એ લોકો માટે બરાબર છે જેમને ડાયાબિટીસ નથી. પરંતુ જેમને ડાયાબિટીસ છે તેમણે કેરી ખાવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો કેરીને જમવાની સાથે ન ખાવી. ડાયાબિટીસ હોય તેમણે લંચ અને ડીનર વચ્ચેના સમયમાં કેરી ખાવી જોઈએ

ગુજરાતમાં રસ-પુરી ઘરેઘરમાં બને છે. પરંતુ ડાયાબિટીસના દર્દી માટે આ રસ-પુરી હાનિકારક છે. ડાયાબિટીસના દર્દી રસ ન પીવે ત્યાં સુધી સારું. અને જો રસ પીવો જ હોય તો તેમાં ખાંડનો ઉપયોગ ન કરવો અને સાથે પુરી જેવી તળેલી વસ્તુઓ ન ખાવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. નેશન ગુજરાત તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more