Manali Snow Fall: હિમાચલ પ્રદેશના મનાલીમાં સોમવારે (23 ડિસેમ્બર) ભારે હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ ગઈ હતી. જેમાં ટુરિસ્ટ સોલંગ, અટલ ટનલ, રોહતાંગની વચ્ચે કલાકો સુધી ગાડીઓ ફસાઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 1 હજાર ગાડીઓ લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જ્યાર બાદ પોલીસે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને એક-એક કરીને ગાડીઓને ત્યાંથી કાઢી જામની સ્થિતિ પર કંટ્રોલ કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં મનાલીના જામના વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હિમવર્ષામાં મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ હતી. પોલીસ તેને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓના ઘસારાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
નોંધનીય છે કે, આ પહેલાં શિમલા બરફની ચાદરથી ઢંકાયેલું હતું, જેનાથી શહેરમાં નવી આશા અને ખુશીઓનું આગમન થયું હતું. 8 ડિસેમ્બરે પહેલાં અહીં હિમવર્ષા થઈ હતી, બાદમાં બે અઠવાડિયા પછી ફરી હિમવર્ષા શરૂ થઈ, જેનો મુસાફરોએ આનંદ માણ્યો હતો. હિમવર્ષા સાથે જ સ્થાનિક પર્યટન ઉદ્યોગના ઉત્સાહને પણ ફરી જીવંત થયો છે, જે COVID-19 મહામારીથી થયેલાં નુકસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.