ટીમ ઈન્ડિયાના કોચને લઇ મહત્વના સમાચાર ,BCCIની મોટી જાહેરાત

By: nationgujarat
29 Nov, 2023

ECC વર્લ્ડ કપ 2023 બાદ હવે BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ODI વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે રમાઈ હતી. આમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો, પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોટી વાત એ છે કે આ જ દિવસે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શું રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે અથવા BCCI કોચ તરીકે નવા અનુભવી ખેલાડીની નિમણૂક કરશે. પરંતુ આના પરથી પડદો હટી ગયો છે. બીસીસીઆઈએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ જ રહેશે.

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ જ રહેશે

BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટને વધારવાની raહેરાત કરી છે. હાલમાં જ BCCI અને રાહુલ દ્રવિડ વચ્ચે વાતચીત થઈ હતી અને ત્યારબાદ કાર્યકાળ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાની સફળતામાં રાહુલ દ્રવિડનું વિઝન, પ્રોફેશનલિઝમ અને પ્રયત્નો મહત્વપૂર્ણ સ્તંભ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે, તેમની માત્ર પડકારોને સ્વીકારવા માટે જ નહીં પરંતુ તેમાંથી આગળ વધવા માટે પણ પ્રશંસા કરવામાં આવે છે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે મેં તેમની નિમણૂક સમયે જ કહ્યું હતું કે મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે રાહુલ દ્રવિડથી સારો કોઈ વ્યક્તિ નથી અને દ્રવિડે પોતાના પ્રદર્શનથી ફરીથી પોતાને સાબિત કરી દીધું છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયા સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે.

રાહુલ દ્રવિડ અને સમગ્ર સ્ટાફ અકબંધ રહેશે

અત્યાર સુધી, રાહુલ દ્રવિડ તેના સપોર્ટ સ્ટાફ સાથે મુખ્ય કોચ હતા, વિક્રમ રાઠોડ બેટિંગ કોચ હતા, ટી દિલીપ ફિલ્ડિંગ કોચ હતા અને પારસ મહામ્બ્રે બોલિંગ કોચ હતા. હાલમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે ત્યારે VVS લક્ષ્મણ મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યો છે. પરંતુ આવતા મહિને જ્યારે સાઉથ આફ્રિકા સાથે સિરીઝ રમાશે ત્યારે રાહુલ દ્રવિડ ફરીથી પોતાની જવાબદારી નિભાવતો જોવા મળશે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે BCCIએ T20 માટે મુખ્ય કોચ તરીકે આશિષ નેહરાનો સંપર્ક કર્યો હતો, પરંતુ કહેવાય છે કે તેણે ના પાડી દીધી હતી. આશિષ નેહરાના કોચિંગ હેઠળ જ ગુજરાત ટાઇટન્સે એક વખત IPL ટાઇટલ જીત્યું હતું અને બીજી વખત ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.


Related Posts

Load more