રાજકોટ,તા.2
ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે રાજકોટ ખાતે સતત 12મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વિવિધ સમાજલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોકપ્રિય ભક્તિ સંગીતનો કાર્યક્રમ ’આવો રે આવો મહાવીર નામ લઈએ’ નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 10 મી એ રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાશે આ કાર્યક્રમમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિંગરો ભક્તિરસ પીરસશે.
આ પૂર્વે તારીખ 9મીએ ‘રંગ કસુંબલ ડાયરો’નું અહોભાવ અને ભક્તિપૂર્વક અનેરું અદકેરૂ આયોજન હેમુ ગઢવી હોલમાં કરવામાં આવ્યું છે. આ લોકકસુંબલ ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.
જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની સહુપ્રથમ રચના કરી હતી. આથી ઝવેરચંદ મેઘાણીની ‘બાલ્યાવસ્થાની લીલાભૂમિ’ રાજકોટ ખાતે આ પ્રેરક આયોજનનું સવિશેષ મહત્વ છે.
આગામી તારીખ છઠ્ઠીને રવિવારે એક સાથે ચાર સમાજ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવેલા ઝૂંપડપટ્ટીના વંચિત બાળકોને ફન વર્લ્ડની પિકનિક કરાવવામાં આવશે.
આ ઉપરાંત રક્તદાન કેમ્પ, બાળકો માટે પ્રભુ મહાવીર સ્વામી ચિત્ર સ્પર્ધા સામાજિક સંસ્થાઓમાં કેરીના રસનું વિતરણ, શેરડીના રસનું વિતરણ, પારેવાને ચણ અને પક્ષીઓના કુંડાનું વિતરણ જેવા કાર્યક્રમો પણ યોજાશે. ટીમ જૈન વિઝન સતત 12મા વર્ષે ભવ્ય આયોજનની હારમાળા સર્જવા તડામાર તૈયારીમાં લાગી ગયેલ છે.