ભાજપમાં નેતાઓના લેટરકાંડ ભારે વિવાદ જગાવી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં ભાજપના હોદ્દેદારોના લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ મનપાના કામોમાં થયેલ ગેરરીતિ અંગે જાણકારી આપવા લોકોને અપીલ કરી છે. ત્યારે બીજી તરફ આ પત્રથી નારાજ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પણ પત્ર લખ્યો છે.
કોંગ્રેસના નેતાએ સવાલો કર્યા
જૂનાગઢ કોંગ્રેસ લલિત પરસાણાએ આ પત્ર બાદ શાસક પક્ષને ધારદાર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યએ જનતા જોગ પત્ર અંગે તેના પર જ સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જનતાજોગ પત્ર લખી રસ્તા અને ગટર મામલે ભ્રષ્ટાચાર થયો હોય તો જણાવવા અપીલ કરી હતી. જેને લઈ કોંગ્રેસ નેતા લલિત પરસાણાએ ધારાસભ્યની હોટલ પાસે થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો. તેમણે કહ્યું કે, હાલમાં જ અહીં ગટરના કામો થયા બાદ થયેલ પેચવર્કમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. થોડા દિવસોમાં પેચવર્ક પણ તૂટવા લાગ્યું છે.
આવા પત્રોથી ભાજપની છબી ખરડાય છે
સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ પત્રમાં લખ્યું કે, આવા પત્રોથી બીજેપીની છબી ખરડાતી હોય છે. આ પત્રથી કોંગ્રેસ અને આપ પાર્ટીને બીજેપી વિરુદ્ધ બોલવાનો મોકો મળ્યો છે. ધારાસભ્ય ખુદ 15 વર્ષથી મનપાના હોદ્દેદાર હોય બધું જ જાણે છે, છતાં આવા પત્ર લખી માહિતી માંગવાની શી જરૂર. આ પત્રથી બીજેપીની છબીને નુકસાન પહોંચ્યું છે. કારણ કે મનપામાં બીજેપીનું શાસન છે. આ સમયની માહિતી માંગી બીજેપી નેતાઓ પર વિપક્ષને બોલવાનો મુદ્દો મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ જુનાગઢના રોડ રસ્તા અને ખાડાઓના પ્રશ્નો સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટિપ્પણીઓ અંગે કાઢ્યો બળાપો. પૂર્વ ધારાસભ્યએ 10% ગ્રાન્ટ વેચી મારી હોવાનો આક્ષેપ લગાવ્યો. ધારાસભ્યએ ઉપરકોટનો વિકાસ પોતાના વિકાસ કાર્યક્રમમાં ગણાવ્યો. રોડ રસ્તા એ ધારાસભ્યની જવાબદારી ન હોવાનું જણાવી છટકબારી શોધી. સાથે જ કહ્યું કે, આપેલા વચનો પૂરા કરવા પ્રયત્નો પૂરતા કરીશું. કામ 100% પણ થાય કોશિસ જરૂર કરીશું. ફેસબુક અને whtsp માધ્યમથી જાહેર જનતાએ જૂનાગઢની સ્થિતિને લઈ અનેક ટીપણી કરી રહ્યા છે. જેમાં ધારાસભ્ય દ્વારા જાહેર જનતા જોગ પત્ર લખી કોઈ રસ્તા ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો જણાવવા અપીલ કરી છે. જેને લઈ ઊલટું ધારાસભ્ય પર જ સવાલો ઉઠી રહ્યા છે. કે શું જૂનાગઢની ભ્રષ્ટાચારની સ્થિતિ અંગે ખુદ અજાણ છે કે જનતાને પૂછી રહ્યા છે….!!!!! જે અંગે સોશિયલ મીડિયા માં મેસેજો વાયરલ થયા હતા જેને લઈ ધારાસભ્ય દ્વારા મીડિયા સમક્ષ પોતાની કામગીરી અને ફરજ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.