જયસ્વાલે ખૂબ સારી રીતે તેના કરિયરની શરૂઆત કરી- રોહિત

By: nationgujarat
19 Feb, 2024

ટીમ ઈન્ડિયાએ રવિવારે રાજકોટ ટેસ્ટમાં 434 રને જીત મેળવી હતી. 557 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં માત્ર 122 રન જ બનાવી શકી હતી. યશસ્વી જયસ્વાલની બેવડી સદીના કારણે ભારતીય ટીમ ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. જયસ્વાલે 214 રનની ઈનિંગમાં 12 સિક્સર ફટકારી હતી.

મેચ બાદ યશસ્વીએ કહ્યું- હું ટેસ્ટ ક્રિકેટમાં મારું સર્વશ્રેષ્ઠ આપવા માગુ છું. નાનપણથી જ મહેનત કરતા શીખ્યો છું. ભારતમાં બસ, ટ્રેન કે ઓટોમાં ચઢવા માટે પણ સખત મહેનત કરવી પડે છે. મારા બાળપણથી જ આ સ્થિતિ છે, જેના કારણે મને પડકારો સામે લડવાની આદત પડી ગઈ છે.

રોહિત-જાડેજા પાસેથી ઘણું શીખ્યા
યશસ્વીએ કહ્યું- હું મારી જાતને કહું છું કે હું સેટ થઈ જઉં ત્યારે સારો સ્કોર કરું, કારણ કે તમે ગમે ત્યારે આઉટ થઈ શકો છો. સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. રોહિત અને જાડેજાથી પ્રેરિત થઈને રમું છું.. ડગઆઉટમાં મેં ટેસ્ટ ક્રિકેટમાં મારું 100% આપવાનું નક્કી કર્યું.

જ્યારે પણ મને ટેસ્ટ ક્રિકેટમાં તક મળે છે ત્યારે મારું લક્ષ્ય મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે.

ટેસ્ટ ક્રિકેટમાં 5 દિવસ ગેમમાં રહેવું જરૂરી છે – રોહિત
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું- જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો છો, તો તમે તેને બે-ત્રણ દિવસ નથી રમતા. તમારે પાંચ દિવસ ગેમમાં રહેવું પડે છે. અમે ત્રીજા દિવસે અમારી પ્લાનિંગ પર અડગ રહ્યા. અમને લાગ્યું કે જાડેજાને આ ફોર્મેટમાં ઘણો અનુભવ છે, અને તેણે ઘણા રન બનાવ્યા છે. અમે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન પણ ઈચ્છતા હતા.

અમે જાણીએ છીએ કે બોર્ડ પર રન ભારતમાં મહત્વપૂર્ણ છે. લીડ પણ અમારા માટે મહત્વની હતી, પરંતુ બોલર્સે ઘણો જુસ્સો બતાવ્યો અને ઈંગ્લેન્ડના બેટિંગ ઓર્ડરને ટક્કર આપી. અમારી પાસે અમારો સૌથી અનુભવી બોલર (અશ્વિન) પણ નહોતો.

જયસ્વાલે ખૂબ સારી રીતે તેના કરિયરની શરૂઆત કરી- રોહિત
રોહિતે કહ્યું- મેં જયસ્વાલ વિશે ઘણું કહ્યું છે. મને ખાતરી છે કે ચેન્જિંગ રૂમની બહાર પણ લોકો તેના વિશે વાત કરતા હશે. હું તેના વિશે મૌન રહેવા માંગુ છું, તેના વિશે વધુ વાત કરવા માગતો નથી. તેણે પોતાના કરિયરની શરૂઆત ખૂબ સારી રીતે કરી હતી.

રાજકોટમાં બોલિંગ મુશ્કેલ- જાડેજા
પ્રથમ દાવમાં સદી ફટકારવા અને મેચમાં કુલ 7 વિકેટ લેવા બદલ રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. જાડેજાએ મેચ બાદ કહ્યું- અમે મુશ્કેલ પરિસ્થિતિમાં હતા, મેં મારી તાકાતનો ઉપયોગ કરવા અને મારા શોટ્સ રમવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલા બેટિંગ કરતા બોલ સારી રીતે આવે છે. રાજકોટમાં તમને સરળતાથી વિકેટ નહીં મળે, તમારે સખત મહેનત કરવી પડશે. સારા એરિયામાં બોલિંગ કરવાની જરૂર પડે, તમે માત્ર બોલિંગ કરીને વિકેટ ન મેળવી શકો.

યશસ્વી જયસ્વાલે 214 રનની ઇનિંગ રમી, 12 સિક્સર ફટકારી
યશસ્વી જયસ્વાલે 214 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 12 સિક્સ ફટકારી હતી, જે એક ઇનિંગમાં કોઇપણ ભારતીય દ્વારા સૌથી વધુ છે. તેણે પૂર્વ ભારતીય બેટર નવજોત સિંહ સિદ્ધુ અને મયંક અગ્રવાલનો રેકોર્ડ તોડ્યો. સિદ્ધુએ 1994માં લખનઉમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં 8 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, મયંક અગ્રવાલે 2019 માં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં 8 છગ્ગા ફટકાર્યા હતા.


Related Posts

Load more