જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય

By: nationgujarat
08 Oct, 2024

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં ખાતું ખોલ્યું છે. ડોડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે બીજેપીના ગજય સિંહ રાણાને લગભગ 4500 વોટથી હરાવ્યા છે.નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા સીટો પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં એકંદરે 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકલા હાથે લડી રહી છે.

અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

ડોડા સીટ જીતવા પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘ડોડાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકને ભાજપને હરાવીને શાનદાર જીત મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમે બહુ સારી રીતે ચૂંટણી લડ્યા. પાંચમા રાજ્યમાં ધારાસભ્ય બનવા પર સમગ્ર આમ આદમી પાર્ટીને અભિનંદન.

જમ્મુ અને કાશ્મીરની ડોડા વિધાનસભા બેઠક ઉધમપુર લોકસભા મતવિસ્તારમાં આવે છે. સીમાંકન પછી ડોડા વિધાનસભા મતવિસ્તારને બે બેઠકોમાં વહેંચવામાં આવી છે, જેમાં એક ડોડા અને બીજી ડોડા પશ્ચિમનો સમાવેશ થાય છે. અહીં ડોડા વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવે છે, જ્યારે ડોડા પશ્ચિમ હિંદુ પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ડોડા સીટ પર જીત મેળવી હતી. આ વખતે પણ પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલ્યો નહોતો અને ગજયસિંહ રાણાને ટિકિટ આપી હતી.

કોંગ્રેસે ડોડાથી શેખ રિયાઝને, નેશનલ કોન્ફરન્સે ખાલિદ નજીબ સુહરવાદીને, આમ આદમી પાર્ટીએ મેહરાજ મલિકને, પીડીપીએ મંસૂર અહમદ ભટને ટિકિટ આપી છે. આ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે.


Related Posts

Load more