ચોટીલામાં દુષ્કર્મનાં કેસમાં જેલવાસ ભોગવીને આવેલા યુવાનને પીડિતાનાં પરિવારે રહેંસી નાખ્યો

By: nationgujarat
04 Jan, 2025

Chotila Rajkot News | ચોટીલા પંથકમાં ગુનાખોરોને જાણે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ છાશવારે દારૃજુગારચોરીમારામારીહત્યા સહિતનાં બનાવો બનતા રહે છે. હવે આજે શુક્રવારના સવારે પીપરાળી ગામે જૂના દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવીને ત્રણ મહિનાથી પરત આવેલા યુવાનને પીડિતાનાં પરિવારજનોએ સરાજાહેર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નીપજાવતા નાનકડા ગામમાં સોંપો પડી ગયો હતો અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જે હુમલામાં મૃતક યુવાનનાં ભાઈ સહિત બે સંબંધીઓ પણ ઘવાયા હતા.

વિગત મુજબ, ચોટીલાનાં પીપરાળી ગામે આજે સવારે વિપુલ વિનાભાઇ સાકરીયા નામનો યુવાન ટ્રેકટર લઇને દીવાલનાં ચણતર કામ માટે જઇ રહ્યો હતો, તે સમયે આરોપી ભાવાભાઇ બીજલભાઇ સાકરીયાએ તેની સાથે ઝઘડો કરીને ધારીયાનો ઘા માથાના ભાગે મારી દેતા ત્યાં જ ઢળી પડયો હતો. જે અંગે તેના ભાઇને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં એક મહિલા સહિત પાંચ આરોપીઓએ ધારિયું, તલવાર જેવા હથિયારોથી હુમલો કરતા બન્ને ભાઈઓ હરેશભાઇ સાકરીયા તથા મહેશભાઇ સાકરીયાને પણ ઇજા પહોચી હતી. આ દરમિયાન ઢળી પડેલા વિપુલ સાકરીયાને ફરી આરોપી સુરેશ સાકરીયાએ તેની પાસેની તલવારનો ઘા પેટમાં ઝીંકીને હત્યા કરી નાખી હતી.

આ બનાવથી નાનકડા એવા પીપરાળી ગામમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે મૃતકના ભાઇ હરેશભાઇ વિનાભાઇ સાકરીયાએ પીપરાળીનાં ભાવાભાઇ બીજલભાઇ સાકરીયા, સુરેશભાઇ ભાવાભાઇ સાકરીયા, શાંન્તુબેન ભાવાભાઇ સાકરીયા, થોભણભાઇ મેરાભાઈ સાકરીયા તેમજ સાયલાનાં શીરવાણીયા ગામનાં લાલાભાઇ નારણભાઇ વિરૃધ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા દોડધામ આદરી હતી. જેમાં મોડી સાંજે ચાર આરોપી સકંજામાં આવી ગયાનું જાણવા મળ્યું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યું કે, મૃતક વિપુલ સાકરીયાએ વર્ષ-૨૦૧૫માં આરોપી પક્ષની એક દીકરી સાથે દુષ્કર્મ આચરતા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને તેને ૧૦ વર્ષની સજા પડી હતી. જે કેસમાં ત્રણેક મહિના પહેલા જેલમુક્ત થઈને આવ્યો હતો, છતાં જૂના બનાવનું મનદુખ રાખી આજે પાંચ વ્યક્તિએ હત્યા નીપજાવી દુષ્કર્મની ઘટનાનો બદલો વાળ્યો હતો.


Related Posts

Load more