બેંગ્લુરૂની એક વિશેષ અદાલતે બંધ થઈ ગયેલી ઈલેક્ટોરલ (ચૂંટણી) બોન્ડ યોજના મારફત દબાણપૂર્વક વસૂલી થઈ હોવાના આરોપસર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યર દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં નિર્મલા સીતારમણ અને અન્ય લોકો પર જબરદસ્તી વસૂલી રેકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
બેંગ્લુરૂમાં નોંધાઈ ફરિયાદ
બેંગ્લુરૂમાં નોંધાયેલી ફરિયાદમાં નાણા મંત્રી ઉપરાંત કર્ણાટક ભાજપ નેતા નરેન્દ્ર કુમાર અને બીવાય વિજયેન્દ્રનું નામ પણ સામેલ છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, હજારો કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા કોર્પોરેટ સંસ્થોને મજબૂર કરવામાં આવી હતી.
ભાજપે રાજકીય નાટક દર્શાવ્યું
આ આરોપોને ભાજપે ફગાવતાં તેને રાજકારણનું નાટક કહ્યું છે. તેમ છતાં આ મામલે નિર્મલા સીતારમણ અને અન્ય નેતાઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભાજપ પ્રવક્તાએ બચાવ કરતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં આ કેસ પર સુનાવણી થઈ હતી અને એસસીને દાનદાતાઓની યાદી જાહેર કરવા નિર્દેશ કરાયો હતો. જેમાં તમામ પક્ષોને પૈસા મળ્યા હતા. કોંગ્રેસ, ટીએમસીને પણ પૈસા મળ્યા હતા. આથી નિર્મલા સીતારમણ વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ રાજકીય નાટક છે.
ક્યારે નોંધાઈ એફઆઈઆર
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્નિ પાર્વતી વિરૂદ્ધ પ્લોટ કૌભાંડમાં એફઆઈઆર નોંધાયા બાદ બેંગ્લુરૂના તિલક નગર પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઈડીને પણ આરોપી ઠેરવવામાં આવ્યો છે. અરજદારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડ મારફત ડરાવી-ધમકાવીને જબરદસ્તી ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું. આ આરોપોસર પોલીસે આઈપીસીની કલમ 384, 120 બી અને 34 હેઠળ ફરિયાદ નોંધી છે. આ મામલે આગામી સુનાવણી 10 ઓક્ટોબરે થશે.