– ચીનની સેનાનું વધુ આધુનિક બનવું ભારત માટે જોખમી
– ડીપસીક સેના-પોલીસની હોસ્પિટલોમાં ડોક્ટરોને સારવારમાં મદદરૂર થશે, જોકે યુદ્ધભૂમિ પર ઉપયોગ નહીં કરાય
– અગાઉ સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ઉત્પાદન, સરકારી એજન્સીઓમાં પણ એઆઇનો ઉપયોગ વધારાયો હતો
હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સેનાની હોસ્પિટલો ઉપરાંત પીપલ્સ આર્મ્ડ પોલીસ અને નેશનલ ડિફેન્સ મોબિલાઇઝેશન ઓર્ગન્સ વગેરેમાં ડીપસીકનો ઉપયોગ વધી રહ્યો છે. અગાઉ પીએલએ સેન્ટ્રલ થીએટર કમાન્ડની જનરલ હોસ્પિટલે જાહેરાત કરી હતી કે તેણે ડીપસીકના લાર્જ લેંગ્વેજ મોડયૂલ્સ (એલએલએમ)ને મંજૂરી આપી છે. જેની મદદથી ડોક્ટરોના સારવારના જ્ઞાનમાં વધારો થશે.
ખુદ સેનાની બેજિંગ સ્થિત જનરલ હોસ્પિટલમાં પણ ડીપસીકનો ઉપયોગ થવા લાગ્યો છે. અગાઉ ચીનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એઆઇનો ઉપયોગ એક ટૂલ તરીકે થવો જોઇએ પરંતુ યુદ્ધ ભૂમિ પર એઆઇનો ઉપયોગ ટાળવો જોઇએ કેમ કે તેની પાસે તેની પાસે સેલ્ફ અવેરનેસ ક્ષમતા ઓછી હોય છે. ચીનનું એઆઇ ડીપસીક સૌથી સસ્તુ માનવામાં આવે છે. જેને પગલે તે હાલ ચેટજીપીટીનું સ્થાન લેવા લાગ્યું છે. એટલુ જ નહીં એપલની એપસ્ટોર પર હાલ ટોચના સ્થાને પહોંચી ગયું છે. ચીન માત્ર સેના જ નહીં હાલ ચીન સ્વાસ્થ્ય, મેન્યુફેક્ચરિંગ, શહેરી વિકાસ, કેટલીક સરકારી એજન્સીઓમાં પણ તેનો ઉપયોગ વધારી રહ્યું છે. ચીને આ વખતે સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે અને તેને અત્યંત આધુનિક બનાવવાની દિશા તરફ કામ કરી રહ્યું છે. ચીની સેનાનું વધુ આધુનિક બનવું ભારત માટે જોખમકારક સાબિત થઇ શકે છે.